Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સરકારની 'એપ' પ્રશ્નપત્રોની જેમ હવે ઉતરપોથીની હેરાફેરી પર નજર રાખશે

ઉતરપોથીઓ રસ્તામાં પડી જવાની ઘટનાથી બોધપાઠ લેતી સરકાર

રાજકોટ તા. ૨૦: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરિક્ષાની ઉતરપોથી મહેસાણાથી કેશોદ મોકલતી વખતે રસ્તામાં વિરપૂર પાસે બે ત્રણ કોથળા પડી ગયાની ઘટનાને પગલે  ચોંકી ઉઠેલી સરકારે હવે ટ્રેકિંગ સિસ્ટમની એપ પ્રશ્નપત્રની જેમ ઉતરપોથીમાં પણ લાગુ કરવાનુ નક્કી કર્યુ છે. તેનો અમલ આવતા વર્ષથી થશે. મુલ્યાંકન કેન્દ્રો પરથી જતી આવતી તમામ ઉતરવહીઓના બંડલ પર  આધુનિક ટેકનોલોજીની મદદથી નજર રાખવામાં આવશે તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ છે.આ એપ પેપર બોક્ષ ઓથેન્ટિંએશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન તરીકે ઓળખાય છે.

આ એપ્લીકેશનના કારણે બોર્ડની જાહેર પરીક્ષાના  પ્રશ્નપત્રોના સીલબંધ બોક્ષ પહોચ્યાનો સમય  અને પરિક્ષા સ્થળની માહિતી  મોબાઇલ એપ દ્વારા  સ્થળ પર જ હવે મળી જશે. ફોટોગ્રાફસના આધારે  પ્ર્શ્નોપત્રોના બોક્ષ કેટલા વાગ્યે  પરીક્ષા સમયે પહોચ્યા, પરીક્ષા કેન્દ્રના કયા લોકેશન પર રાખવામાં આવ્યા, પ્રશ્નપત્રોના બોક્ષ પરીક્ષા કેન્દ્રો પર સીલબંધ  રીતે પહોચ્યા છે કે નહી , ઉપરાંત પરીક્ષા પુર્ણ થયા બાદ હાજર પરિક્ષાર્થીઓની લખાયેલ જવાબવહીઓ  સીલબંધ  કરવામાં તેમજ કયા સમયે  મુકાયેલ છે તે પણ જાણી શકાય છે. આ જ પધ્ધતિ ઉતરપોથીઓમાં લાગુ પડશે.

(11:40 am IST)