Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

બીટીપી કિંગ મેકરની ભૂમિકામાં રહી શકે : બધાની નજર રહેશે

રાજયસભાની ચૂંટણીમાં એનસીપી મત મહત્વપૂર્ણ : બીટીપી એક ધારાસભ્ય ગૃહમાં આવતા રાજકીય હલચલ

અમદાવાદ,તા. ૧૯ : રાજ્યસભાની ચૂંટણીને લઇને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નવી નવી બાબતો પણ સપાટી ઉપર આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે બીટીપીના બંને મત બહુ મહત્વના અને નિર્ણાયક સાબિત થવાના છે તો, એનસીપીનો મત પણ બંને પક્ષ માટે બહુ કિંમતી બનવાનો છે ત્યારે આજે વિધાનસભા ગૃહમાં ચાલી રહેલી પ્રશ્નોત્તરી દરમિયાન બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા થોડો સમય માટે ગૃહમાં હાજરી આપીને બહાર નીકળતાં જ ભાજપ અને કોંગ્રેસના આગેવાનોમાં દોડધામ મચી ગઇ હતી. આ બધાની વચ્ચે મહેશ વસાવાએ નીતિન પટેલ સાથે પણ રાજ્યસભાની ચૂંટણી અંગે મહત્વની બેઠક કરી હતી. બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે સૂચક મુલાકાતને લઇ ભારે ચર્ચા ચાલી હતી. આજે ગુજરાત વિધાનસભામાં ચાલુ પ્રશ્નોત્તરી દરમિયાન જ ધારાસભ્ય મહેશ વસાવા ગૃહની બહાર નીકળ્યા હતા.

           આ ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રશ્નોત્તરીકાળ છોડીને બહાર નીકળ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર પણ ગૃહમાંથી બહાર નીકળતા અનેક અટકળો અને ચર્ચાએ જોર પકડયુહ હતું. મહેશ વસાવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર પણ હાજર રહ્યાં હતા. દરમ્યાન મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ બન્ને અમારી માટે સરખા છે.

          કોંગ્રેસના કે ભાજપના ઉમેદવારને મત આપવા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. બીટીપીની આગામી તા.૨૪ માર્ચના રોજ કોર કમિટીની બેઠક મળવાની છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે. ભાજપના એકપણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ નહીં કરે, કોંગ્રેસ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીટીપી અને એનસીપી ભાજપના ઉમેદવારને મત આપશે. આમ, ભાજપ અને કોંગ્રેસ હાલ તો બીટીપી અને એનસીપીના મતો તેમને મળશે તેવી આશા રાખીને બેઠા છે અને લઇને હાલ તો બીટીપી અને એનસીપીની કિંમત આ બંને રાજકીય પક્ષોને સમજાઇ ગઇ છે અને બંને પક્ષ દ્વારા બીટીપી અને એનસીપીના મત મેળવવા તેમને યેનકેન પ્રકારે પોતાની તરફેણમાં લેવા પ્રયાસશીલ બન્યા છે.

(9:50 pm IST)