Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી તમામ ભારતીયોના ગૌરવ સમાન

સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસન ધામ બનાવાશે : સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસનો બિન સરકારી સંકલ્પનો વિધાનસભાના ગૃહમાં સંમતિ સ્વિકાર : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે

અમદાવાદ, તા. ૧૯  : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીજી સાથે ખભે-ખભો મિલાવીને દેશ માટે આઝાદીની લડતમાં જોડાયેલા લોહપુરુષ અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઇ પટેલનું આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન રહ્યું છે. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ જો આપણા દેશમાં જન્મ્યા ન હોત તો કદાચ શક્ય છે કે આપણો દેશ આઝાદ ન થાત. સરદાર પટેલનું આ અમૂલ્ય યોગદાન દેશવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં. નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, અંગ્રેજો દ્વારા કુટ રાજનિતી રમીને દેશને એક ન થવા દેવા અનેક પ્રયત્નો થયા. ખુબ લાંબી લડતને અંતે અંગ્રેજોએ ભારત છોડ્યુ. દેશી રાજા-રજવાડાઓને ભારતમાં વિલીન કરવાની કામગીરી શરૂ કરાઇ ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ કાશ્મીરી હોવાના નાતે કાશ્મીરને ભારતમાં વિલીન કરવાની જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વિકારી હતી જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલને તમામ દેશી રજવાડાઓના વિલીનીકરણની જવાબદારી સોંપવામાં આવી હતી. સરદાર સાહેબને સોંપાયેલું આ કામ તેમણે સુપેરે નિભાવી પુરૂ કરી બતાવ્યું અને દેશી રજવાડાઓને ભારતમાં વિલીન કરી દીધા.

          નીતિન પટેલે બિસ્માર્કને યાદ કરીને કહ્યુ કે તેમણે તલવારના જોરે બધાને એકઠા કર્યા હતા જ્યારે સરદાર સાહેબે લોહીનું એક ટીંપુ વહેવડાવ્યા વિના સૌને એકત્ર કર્યા હતા. એટલું જ નહી આ પ્રસંગે ગુજરાતના રાજાઓના અમુલ્ય યોગદાનને પણ યાદ કરવામાં આવ્યા હતા. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી એ પ્રથમ હસ્તાક્ષર કર્યા હતા. તે ઉપરાંત ગોંડલ અને વડોદરાના રાજાઓએ આપેલા યોગાદાનને પણ યાદ કરવામાં આવ્યા હતાં. નીતિન પટેલે કહ્યું કે, સરદાર પટેલે જવાબદારીપૂર્વક તેમને સોંપાયેલુ કાર્ય પૂર્ણ કરી બતાવ્યુ જ્યારે જવાહરલાલ નહેરૂએ માત્ર કાશ્મીરના વિલીનીકરણનું કાર્ય સોંપાયુ તેમાં પણ તેઓ નિષ્ફળ ગયા હતાં. તેમની આ નિષ્ફળતાને કારણે અત્યાર સુધી લોકોએ ઘણું સહન કરવુ પડ્યું પરંતુ ગુજરાતના જ બે મહાન સપૂતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે તે અધૂરુ કામ પુરુ કરી બતાવ્યુ છે. સ્વ. નહેરૂની નિષ્ફળતાથી અટવાયેલું કાશ્મિરને ભારતમાં વિલીન કરીને ભારતનું અખંડ બનાવવાનું સરદાર સાહેબનું સપનું ગત વર્ષે આ બે ગુજરાતીઓએ પૂર્ણ કરી સાચા અર્થમાં તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો આપતી ૩૭૦ કલમ અને ૩૫-એ રદ કરીને સરદાર વલ્લભભાઈ પટેલનુ અધુરું સ્વપ્ન જે કોંગ્રેસ ૭૦ વર્ષ સુધી કરી ન શકી એ આપણા ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કર્યું છે.

              આજે ૩૭૦ની કલમ રદ્દ થયા પછી કાશ્મીરમાં એક પણ હિંસાની ઘટના બની નથી. તેમણે ઉમેર્યું હતું કે અમારી સરકારે માત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જ નહીં પણ મુંબઈ અને નવી દિલ્હીમાં પણ બાબાસાહેબ આંબેડકરનું સ્મારક લાખોના ખર્ચે તૈયાર કરીને તેમને પણ સાચી શ્રદ્ધાંજલિ આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની ૧૮૨ મીટર સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'એ ગુજરાત વિધાનસભાના ૧૮૨ ધારાસભ્ય બેઠકોનું પ્રતિનિધિત્વ પણ દર્શાવે છે તેમ જણાવી શ્રી પટેલે કહ્યું હતું કે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાનું મુખ કઈ દિશામાં રાખવું તેના માટે ખૂબ ગહન ચર્ચા વિચારણા થઇ હતી. વર્ષ ૧૯૪૮માં સરદાર સાહેબે નર્મદા નદી ઉપર ભવ્ય ડેમ બનાવવાનું જે સ્વપ્ન જોયું હતું તે સાકાર થયું છે. આ ડેમ સામે તેમનું મુખ તેમના આત્માને આવનાર ૧૦૦૦ વર્ષ સુધી શાંતિ આપશે તેવા ઉમદા હેતુથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ નિર્ણય કર્યો હતો. સાધુ બેટ ઉપર સાધુ-સંતો દ્વારા નર્મદા મૈયાની અર્ચના માટે યજ્ઞ હવન કરવામાં આવતા હોવાથી આ પવિત્ર ભૂમિને સરદાર સાહેબની પ્રતિમા માટે પસંદ કરવામાં આવી હતી તેમ શ્રી પટેલે આ સંકલ્પ વિશે જણાવ્યું હતું.

(9:54 pm IST)