Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

અકસ્માત જોવામાં એક પછી એક ચાર કારો અથડાઈ ગઈ

ઇસ્કોર બ્રીજ પર વિચિત્ર અકસ્માત સર્જાયો : રાત્રે ઇસ્કોન બ્રીજ પર સર્જાયેલા બે કાર વચ્ચેની દુર્ઘટનાને જોવા કારચાલક કારને અચાનક ઉભી રાખતા અકસ્માતો

અમદાવાદ,તા.૨૦ : અમદાવાદના એસ.જી. હાઇવે પર ગઈકાલે રાત્રે ઇસ્કોન બ્રિજ પાસે બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. આજે સવારે આ જગ્યાએથી પસાર થતો એક કારચાલક અચાનક અકસ્માત જોવા ઉભો રહ્યો હતો ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી ચાર ગાડીઓ પણ ધડાધડ એકબીજા સાથે અથડાઈ હતી. એક પછી એક ચાર કાર અથડાતાં વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. જો કે, રાહતની વાત એ હતી કે, આ અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી ન હતી. ચારેય કારના અકસ્માત દરમ્યાન એક કારમાં આગ લાગી ગઇ હતી. બનાવને પગલે ઇસ્કોન બ્રીજ પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ થોડીવાર માટે સર્જાયા હતા. ટ્રાફિક પોલીસે બનાવની જાણ થતાં જ તાત્કાલિક જ ત્યાં આવી ટ્રાફિક સંચાલન કરી ટ્રાફિક નિયમન કર્યું હતુ અને વાહનવ્યવહાર પૂર્વવત્ કર્યો હતો. ચાર કારના એકની પાછળ એક એમ અથડાવાના કારણે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી ન હતી પરંતુ અકસ્માતમાં બે કારને વધારે નુકસાન થયું હતું. સ્વિફ્ટ, ઇનોવા, સેન્ટ્રો અને વેગનાર કાર એક પછી એક એમ એકબીજાની પાછળ અથડાઈ હતી. અકસ્માત બાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને એકઠી થયેલી ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તેને જોવા માટે એમએલએએ ગુજરાત લખેલી ગાડી ઉભી રહી હતી. એ જ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી ગાડીઓ એકબીજાને અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. એસ.જી હાઇવે પર એક કાર સળગી ગઈ હતી. આ કાર રસ્તા પર દોડી રહી હતી ત્યારે તેના બોનેટમાં આગ લાગી હતી. કારના ડ્રાઇવરે કારને પાર્ક કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે એક રાહદારીએ પોતાની કારમાંથી ફાયર કિટથી આગને કાબૂમાં મેળવી લીધી હતી,આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો પણ દોડી આવ્યા હતા.

 

(6:47 pm IST)