Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

૨૬ લોકસભા બેઠક ઉપર વિજય સંકલ્પ સંમેલન થશે

૨૪થી ૨૬મી માર્ચ દરમિયાન ખાસ આયોજન : મુખ્યમંત્રી વિજય રૂપાણી મહેસાણા અને સાબરકાંઠા બેઠક પર હાજર રહેશે

અમદાવાદ,તા.૨૦ : ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યુ હતુ કે, આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તારીખ ૨૪ થી ૨૬ માર્ચ, ૨૦૧૯ દરમ્યાન ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપા દ્વારા ''વિજય સંકલ્પ સંમેલન'' નું આયોજન કરવામાં આવી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ''ન્યુ ઇન્ડિયા''ના નિર્માણમાં ભાજપાની સાથે સાથે લોકભાગીદારીને પણ સાંકળી શકાય તેવા હેતુસર, ''મેરા દેશ બદલ રહા હૈ''ની લોકભાવના ઉજાગર કરવા આ વિજય સંકલ્પ સંમેલનમાં બૂથ લેવલના કાર્યકર્તાઓથી શરૂ કરીને તમામ શ્રેણીના હોદ્દેદારો, મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ તથા સમર્થકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાં ૨૬ લોકસભામાં ભાજપને વિજયી બનાવવાં ગુજરાતની જનતા અડીખમ ઊભી રહેશે તેવો વિશ્વાસ છે. આ વિજય સંકલ્પ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તારીખ ૨૪ માર્ચ, ૨૦૧૯ના રોજ મહેસાણા ખાતે, તારીખ ૨૬ માર્ચ, ૨૦૧૯ના રોજ સાબરકાંઠા લોકસભા બેઠકો પર, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તારીખ ૨૪ માર્ચના રોજ સુરેન્દ્રનગર, વડોદરા અને પોરબંદર લોકસભા બેઠકો પર, જ્યારે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ રાજકોટ ખાતે, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સુરત, બનાસકાંઠા અને રાજકોટ લોકસભા બેઠકો પર તથા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જુનાગઢ અને ભરૂચ લોકસભા બેઠકો પર અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તારીખ ૨૪ માર્ચના રોજ મહેસાણા, ૨૫ માર્ચના રોજ પાટણ અને ૨૬ માર્ચના રોજ જામનગર લોકસભા બેઠકો પરના વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત મંત્રીઓ અને પ્રદેશના હોદ્દેદારઓ જે તે લોકસભામાં વિજય સંકલ્પ સંમેલનોમાં ઉપસ્થિત રહેશે તેમ ભરત પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ.

(6:42 pm IST)