Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રાજકોટના તસ્કરે વડોદરામાં કરોડોના હિરા ચોરવા ફુલપ્રુફ પ્લાન ઘડેલો

હિરાના શોરૂમમાં કયાંથી પ્રવેશવું? કયા બોક્ષમાં કેટલી કિંમતના રીયલ ડાયમંડ છે તે તમામ બાબતો ઝવેરી સમક્ષ વર્ણવતા જ ખળભળાટઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને પીઆઇ આર.સી. કાનમીયા રાજકોટના ૩II કિલો સોનાની ચોરીના આરોપી વૈભવને ઓળખી જતા જ પ્લાનમાં પંચર પડી ગયું: ગુગલ મેપ દ્વારા આધુનીક બિલ્ડીંગો અને તેના શોરૂમની માહિતી મેળવી હાઇટેક ચોરીઓઃ પ્લેનમાં મુસાફરીઃ મુંબઇમાં મોજઃ બોલીવુડની ફિલ્મને ટક્કર મારે તેવી સત્ય કથા

રાજકોટ, તા., ૨૦: ગુગલ મેપ દ્વારા કરોડોની કિંમતની બિલ્ડીંગની માહિતી મેળવવા સાથે તે  બિલ્ડીંગમાં આવેલા રિયલ ડાયમન્ડના શો રૂમ તથા સોફટવેરની દુકાનોની માહિતી મેળવી વડોદરામાં હાહાકાર મચાવનાર તસ્કર ટોળકી વડોદરાના  રિયલ ડાયમન્ડ (હિરાના શોરૂમ)માંથી  કરોડોના હિરાની બોલીવુડ ફિલ્મને ટકકર મારે તેવી ચોરીઓ સાથે સોફટવેર કંપનીમાંથી  લાખો રૂપીયાની એસેસરી તથા રોકડની ચોરી કરવાનો પ્લાન વડોદરાના પોલીસ કમિશ્નર  અનુપમસિંહ ગેહલોત તથા પીસીબીના  પીઆઇ આર.સી. કાનમીયાની  જાગૃતીને કારણે કઇ રીતે નિષ્ફળ ગયો તેની કથા ખુબ જ રોમાંચક અને દિલધડક છે.

વડોદરામાં ટુંકા ગાળામાં એક ડઝન જેટલી ચોરીઓના ઉપરાછાપરી બનાવો બનતા વડોદરાના કાર્યદક્ષ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે તે બાબતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી શહેરના તમામ પોલીસ અધિકારીઓની બેઠક રાખી આ તસ્કરો કોઇ પણ રીતે પકડાવા જોઇએ તેવા આદેશ કર્યા. રાજકોટમાં અનુપમસિંહ ગેહલોત સાથે ક્રાઇમ બ્રાન્ચમાં પ્રસંશનિય ફરજ બજાવનાર પીઆઇ (હાલ બરોડા) આર.સી. કાનમીયાને વિશિષ્ટ જવાબદારી સુપ્રત કરી.

દરમિયાન સીસીટીવી કેમેરાની ચકાસણી દરમિયાન વડોદરાના એક જાણીતા ડેવલોપર્સના સીસીટીવી કેમેરાના ફુટેજ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા  પીસીબી પીઆઇ આર.સી.કાનમીયા તપાસતા હતા તે દરમિયાન એક ચહેરો પોલીસ કમિશ્નરને જાણીતો લાગ્યો. તેઓએ પીસીબી પીઆઇ સામી નજર કરતા જ તેઓએ તુર્ત જ કહયું 'સર, આ તો વૈભવ છે ર૦૧૬માં આપણે રાજકોટમાં ૩ાા કિલોની ચોરીમાં પકડેલો.'

આટલી માહીતી મળતા જ પીઆઇ આર.સી. કાનમીયાએ પોલીસ કમિશ્નરની સુચના અનુસાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ તથા પોતાના બાતમીદારો મારફત તપાસ કરાવી તો વૈભવ અત્યારે સુરતમાં શીફટ થયાનું બહાર આવ્યું. આથી સુરતમાં જાળ બિછાવવામાં આવી અને પછી તો ત્યાં વોચ ગોઠવી વૈભવ તથા ટોળીને સકંજામાં લીધી.

વૈભવની પુછપરછ દરમિયાન તેણે જણાવેલ કે સુરતમાં સુરત પોલીસ તેણે અગાઉ ચોરીઓ કરી હોવાથી તેને ઓળખતી હતી. આથી સુરત હેડકવાર્ટર રાખી ગુગલ મેપ આધારે વડોદરા અને ભરૂચના કિંમતી કોમ્પલેક્ષોની માહીતી સાથે તેમાં રહેલા શોરૂમની માહીતી આધારે ચોરી કરવાનું શરૂ કરેલ.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને પીઆઇ શ્રી કાનમીયાની પુછપરછમાં તેણે ધડાકો કરતા જણાવેલ કે સર, મારા બદનસીબે આપ બંન્ને મને ઓળખી ગયા એટલે હું પકડાઇ ગયો. બરોડાનો એક હિરાનો મોટો શોરૂમ તથા સોફટવેર કંપનીનો મોટા સ્ટોરમાં કરોડોની ચોરી કરવાનો પ્લાન હતો. તેણે વિશેષમાં જણાવેલ કે હિરાના શોરૂમમાં પ્રવેશવા માટે પાછળના મેદાનના ભાગેથી પ્રવેશવા યોજના બનાવેલી. એસી જયાં રખાયા છે ત્યાં આસાનીથી પ્રવેશી શકાય  તેવું છે. કોઇ ગ્રીલ પણ નથી.

તેણે જણાવેલ કે હિરાના કયા બોક્ષમાં કેટલી રકમના કિંમતી હિરા છે તે બધી અમોને જાણ છે. હિરાના વેપારી એવા ઝવેરી પણ આ બધુ જાણી હેબતાઇ ગયા હતા. તસ્કર વૈભવે એવો પણ ફોડ પાડેલ કે એ શોરૂમમાં બે-ત્રણ વાર જઇ હિરાની કિંમત વિષે માહીતી પણ મેળવી હતી.

 

(12:02 pm IST)