Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

બારડોલીની પ્રાથમિક શાળામાં નિર્દોષ મસ્‍તીમાં બેભાન થઇને પડી જતા ધો.૬ના વિદ્યાર્થીનું મોત

બારડોલી: બારડોલીની શાળામાં બાળકો વચ્ચે થતી નિર્દોષ મસ્તીમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું પડી જતા વિદ્યાર્થી સારવાર દરમિયાન મોત થયું હતું. ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકનું મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યું હતું. ત્યારે આ અંગે બારડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ કરી રહી છે.

વિશાલ સવારે ઘરેથી શાળાએ જવા નીકળો ત્યારે ખુબ ખુશ હતો. રોજની જેમ શાળામાં મિત્રો સાથે ગમ્મત અને નિર્દોષ મસ્તી અને ભણવાનો ઉમગ ઉત્સાહ હતો. પણ વિશાલને ખબર નોહતી કે આજે શાળામાં તેનો છેલ્લો દિવસ છે. વાત જાણે એમ છે કે, બારડોલીની જે.એમ.પટેલ હાઇસ્કુલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો વિશાલ કુશવાહ શાળામાં ખુબ ખુશ હતો. પરંતુ ચાર પીરીયડ પૂર્ણ થયા બાદ મિત્રો સાથે ગમ્મત અને મસ્તી દરમ્યાન વિશાલ પડી જતા બેભાન થઇ ગયો હતો.

વિશાલને તાબડતોડ નજીકની હોસ્પીટલમાં ખસેડાયો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આશાસ્પદ વિદ્યાર્થીના મોતથી સાથી મિત્રો,શિક્ષકો આઘાતમાં સરી પડ્યા હતા. સોથી વધુ આઘાત વિશાલના પરિવારજનોને લાગ્યો હતો. વિશાલ બેભાન થઇ ગયાના સમાચાર જયારે પિતાને મળ્યા તો તેઓ હોસ્પિટલ પોહચી ગયા પણ પોતાના દીકરાના મૃતદેહને જોઈ તેઓ પણ પોતાના આંસુ રોકી શક્યા નહી.

વિદ્યાર્થીના મોતની ઘટના પ્રકાશમાં આવતા બારડોલી પોલીસને પણ જાણ કરાતા પોલીસ પણ દોડતી થઇ હતી. બારડોલીની ઘટના અન્ય શાળા સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સબક સમાન ઘટના છે.  હાલ તો બારડોલી પોલીસ ઘટના સ્થળે પોહચી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ કરી રહી છે.

(4:34 pm IST)