Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સુરતમાં ભાજપ ઉમેદવારનો દારૂની મહેફિલ માણતો ફોટો વાયરલ :રાજકારણમાં ગરમાવો

પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર સોમનાથ મરાઠેનો ફોટો વાયરલ : સોમનાથ મરાઠે કહ્યું આ ફોટો ફેક છે

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને હવે માંડ ગણતરીના કલાકો બાકી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાનું જોર લગાવી રહી છે. રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના અંગત અને વિશ્વાસુ એવા પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર સોમનાથ મરાઠેનો દારૂની પાર્ટી કરતાં હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે સોમનાથ મરાઠે આ ફોટો ફેક હોવાનું કહી રહ્યા છે

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-24 ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેનો આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મતદાન પૂર્વે વાયરલ ફોટાના કારણે ભાજપને ફટકો પડી શકે છે કારણ કે સોમનાથ મરાઠે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ અંગત વિશ્વાસુ વ્યક્તિ છે. ચૂંટણી સમયે જ તેમનો આ પ્રકારનો ફોટો વાયરલ થતાં તેમણે પાર્ટીને જવાબ આપવો પડી શકે છે.

આ ફોટા અંગે સોમનાથ મરાઠેનું કહેવું છે કે, ફોટો એડિટિંગ દ્વારા બનાવામાં આવ્યો છે. તેમણે આવી કોઈ દારૂની પાર્ટીમાં હાજરી આપી જ નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમના વિરોધી એવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિલાસ પાટીલ દ્વારા આ ફોટો વાયરલ કરવામાં આવ્યો છે. ફોટામાં હું પાર્ટી કરવા બેઠો છું તેવું ક્યાંય દેખાતું નથી આમ મને અને મારી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર છે.

બીજી તરફ વિલાસ પાટીલનો દાવો છે કે, આ ફોટો ઓરીજનલ છે. સોમનાથ મરાઠે  દારૂની મહેફિલ માણી રહ્યા હતા, ત્યારે જ આ ફોટો ક્લિક કરવામાં આવ્યો છે. જો સોમનાથ મરાઠેને એવું લાગતું હોય કે આ ફોટો એડિટિંગ કરીને બનાવવામાં આવ્યો છે, તો ફોટા FSLમાં મોકલી તપાસ કરાવી શકે છે. 

ભાજપના પૂર્વ કોર્પોરેટર અને વર્તમાન ઉમેદવાર સોમનાથ મરાઠે  અરજી આક્ષેપ કરવામાં આવ્યો છે તેમાં બે ફોટા વાયરલ થયા છે. જેમાં એક ફોટા માં સોમનાથ પલંગ પર બેઠા છે અને નીચે દારૂની બોટલ દારૂ ભરેલા ગ્લાસ સિંગદાણા વગેરે દેખાઈ રહ્યું છે. જ્યારે બીજા ફોટામાં જે સ્થળે પાર્ટી ચાલી રહી છે, ત્યાં મૂકેલી દારૂની બોટલ દેખાઈ રહી છે.

સોમનાથ મરાઠેનો જે ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે તે ક્યારનો છે? તે અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. દારૂની મહેફિલમાં બેઠેલા દેખાતા કથિત ફોટામાં સોમનાથ મરાઠે સાથે અન્ય લોકો પણ દેખાઈ રહ્યા છે. આથી ત્યાં હાજર લોકો પૈકી કોઈ એકે આ ફોટો ક્લિક કર્યો હતો. જોકે કોણે કર્યો હતો અને ફોટો ક્યારે પાડવામાં આવ્યો? તેની જાણ તો તપાસ કરવામાં આવે ત્યારે જ થઈ શકે.

(12:26 pm IST)