Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ દરદી કે ક્વોરન્ટાઇન મતદાર મતદાન કરવા ઈચ્છે તો પી.પી.ઇ. કીટની સુવિધા ઉપલબ્ધ કરાશે

તમામ મતદાન મથકો ખાતે મતદારો માટે સેનીટાઇઝર, માસ્ક,હેન્ડગ્લોઝ અને ટેમ્પરેચર ચકાસણી માટે થર્મલગનની સુવિધા ઉપલબ્ધ કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી. એ. શાહે તા.૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી નર્મદા જિલ્લા/ તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય  ચૂંટણીઓ સંદર્ભે અમલી બનાવાયેલ આદર્શ આચાર સંહિતાના ચૂસ્ત અમલીકરણ સાથે જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીઓને ખાસ અનુરોધ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર, નિવાસી અધિક કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી એચ.કે.વ્યાસ,આચારસંહિતા અમલી કરણના નોડલ અધિકારી અને પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ સહિત ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે નિમાયેલા નોડલ અધિકારીઓ સાથે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા જિલ્લા ડી.એ.શાહે સંબંધિત અધિકારીઓને સોંપાયેલી જે તે કામગીરી સમયાંતરે તબક્કાવાર હાથ ધરાય તે સુનિશ્ચિત કરવાની સાથે આ કામગીરી ક્ષતિરહિત નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની પણ  તેમણે ખાસ હિમાયત કરી હતી.
શાહે જણાવ્યું હતું કે, તા.૨૮ મી ફેબ્રુઆરીના રોજ જિલ્લામાં યોજાનારી ઉક્ત સામાન્ય ચૂંટણીઓ માટે કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ તમામ મતદાન મથકો મતદાનના આગલે દિવસે સંપૂર્ણપણે સેનેટાઇઝ્ડ કરાશે અને ત્યાર બાદ જ ફરજ પરની મતદાન ટુકડીઓ મતદાન મથકમાં પ્રવેશશે. તમામ મતદાન મથકો ઉપર મતદારો માટે ટેમ્પરેચર માપવા માટે થર્મલગન,માસ્ક, હેન્ડગ્લોઝ, સેનેટાઇઝર સહિતની જરૂરી વ્યવસ્થા કરાશે. કોરોના પોઝીટીવ દરદી કે ક્વોરન્ટાઇન હેઠળના મતદાર જો મતદાન કરવા ઇચ્છતા હશે તો તેના માટે પી.પી.ઇ. કીટની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે, ત્યારે શહેર જિલ્લામાં યોજાનાર આ મતદાનમાં તમામ મતદારોને કોઇપણ જાતના ભય વિના નિર્ભયપણે અચુક મતદાન કરવાની સાથે જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે જોવા શાહે જાહેર અનુરોધ કર્યો છે.
બેઠકમાં ઉપસ્થિત રહેલ MCC અને આચારસંહિતા, પોસ્ટલ બેલેટ, પ્રચાર અને મિડીયા, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, સ્ટાફ વેલ્ફેર, તાલીમ મેનેજમેન્ટ અને સ્વીપ કાર્યક્રમ, મટીરીયલ મેનેજમેન્ટ, હેલ્પ ડેસ્ક અને કંટ્રોલ રૂમ, EVM મેનેજમેન્ટ, ઓબ્ઝર્વરના લાયઝન,કોવિડ-૧૯ ની કામગીરી ઉમેદવારોના હિસાબોના મોનીટરીંગ વગેરે જેવી કામગીરી માટેના નોડલ અધિકારીઓ પાસેથી શાહે આજદિન સુધી થયેલી કામગીરી,હવેના દિવસોમાં થનારી કામગીરીની પણ વિસ્તૃત જાણકારી મેળવી ઝીણવટપૂર્વકની સમીક્ષા કરી હતી

(10:28 pm IST)