Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

નાંદોદના કમોદીયા ગામનો આરસીસી રોડ ગુણવત્તા વગરનો બન્યો હોવાની પંચાયત સદસ્યની કલેક્ટરને રજુઆતથી ભૂકંપ

રસ્તાની લંબાઈ અને પહોળાઇ અને જાડાઇ સરકારી ધારા ધોરણ પ્રમાણે ન હોય જેની યોગ્ય તપાસ કરવા લેખિત રજુઆત: ૪ લાખ જેવી માતબર રકમમાં બનેલો આ રોડ બન્યાના ૧૫ દિવસ માંજ પોપડા નિકળતા કામગીરી પર અનેક સવાલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં વિકાસના કામોમાં અનેક ગામમાં ભ્રષ્ટાચાર ની વાત સામે આવે છે ત્યારે વધુ એક રજુઆત નાંદોદ તાલુકાના કમોદીયા ગામના આરસીસી રોડ બાબતે પંચાયતના સદસ્ય દ્વારા રોડનું ગુણવત્તા વગરનું કામ થયું હોવાની ફરિયાદ થતા આ બાબતે નાનકડા ગામમાં ભૂકંપની સ્થિતિ જોવા મળી છે.

  કમોદીયા ગામના તાલુકા પંચાયત સદસ્ય માનસીંગભાઇ બામણજી વસાવાએ નર્મદા કલેક્ટર ને કરેલી લેખિત રજુઆત મુજબ કમોદીયા ગામમાં ગ્રામપંચાયત તરફથી સરકારી વિકાસ યોજનાના કામમાં આર.સી. સી.રોડ બનાવવામાં આવ્યો છે જેમાં ગામના સરપંચ અને તલાટીએ પોતાની મરજી મુજબ તકલાદી રોડ બનાવ્યો હોવાનો આક્ષેપ કરી આ બાબતે તપાસની માંગ પણ કરી હતી.

  વધુમાં માનસિંગ વસાવાએ રજુઆતમાં જણાવ્યું છે કે પોતે કમોદીયા ગ્રામ પંચાયતના સભ્ય છે અને હાલમાં કમોદીયા ગામમાં નિશાળ પાસેથી ઉપલા ફળીયા ખાલજી ભાઇ શામળભાઇ વસાવાના ઘર સુધીનો જે આર.સી.સી. રસ્તો બનાવવામાં આવ્યો છે.આ રસ્તો સરકારી નિયમો મુજબ અને અને ધારા ધોરણ પ્રમાણે બનાવવાનો હતો તેના બદલે આર.સી.સી રસ્તાની ગુણવત્તા જળવાયેલી ન હોય,રસ્તાની લંબાઈ, પહોળાઇ અને જાડાઇ સરકારી ધારા ધોરણ પ્રમાણે નથી બન્યો માટે યોગ્ય તપાસ થવી જોઇએ જયારે આ રસ્તા બનતો હતો તે વખતે પણ ગ્રામજનોએ વિરોધ કર્યો હતો .રસ્તાનું કામ તકલાદી અને હલકી કક્ષાનો માલસામાન વાપરી કર્યું છે.પરંતુ ગામના સરપંચ અને તલાટીએ ગામના અમુક ગ્રામજનો અને સભ્યની વાત ધ્યાન પર લીધી ન હતી અને પોતાની મનમાની પ્રમાણે આ રસ્તો ગ્રામ પંચાયતે બનાવી દેતા હાલમાં આ રસ્તાની ગુણવતા જળવાયેલી ન હોવાથી રસ્તામાં ખાડા પડી ગયા છે અને સ્લેબના પોપળા પણ ઉખડી ગયા હોય આ રસ્તાની ગુણવત્તાની યોગ્ય અને ન્યાયીક તપાસ કરવા માંગ કરી છે.

 કારીગરો નવા હોવાના કારણે થોડું આમ તેમ થયું છેઃ રેખાબેન વસાવા (સરપંચ,કમોદીયા)

  પંચાયત સદસ્યના લેખિત આક્ષેપો બાદ કમોદીયા ગામના સરપંચ રેખાબેન વસાવાને એ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે રસ્તાનું કામ કરનારા કારીગરો નવા હોવાના કારણે થોડું ઘણું આમતેમ થયું છે પરંતુ તેને સુધારવા તજવીજ ચાલુ છે.

(5:58 pm IST)