Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ઇ-ટીકીટનું સોફટવેર બનાવીને વેચવા લાગ્યો!

સોફટવેરથી આઇઆરસીટીસીનું આઇડી હેક કરીને ટીકીટો લેવાનો કેસઃ અંતે ઝડપાઇ ગયો

સુરત તા. ર૦: પશ્ચિમ રેલ્વેએ ઇ-ટીકીટના દલાલોને ઓપનીંગ તથા તત્કાલ ટીકીટ લેવામાં મદદરૂપ હગમેક સોફટવેર વેચનાર એક વ્યકિતને ૧૭ ફેબ્રુઆરીએ અંકલેશ્વરમાંથી ઝડપી લીધા પછી ગઇકાલે તેના વધુ એક સાથીદારને સુરતના બસ સ્ટેન્ડ પરથી પકડી પાડયો છે, મુંબઇ રેલ્વે સુરક્ષા દળૃના ડીવીઝનલ સીકયોરીટી કમાન્ડન્ટ (ડીએસસી) ગઇકાલે સુરત આવ્યા હતા અને આરોપીની પૂછપરછ કરી હતી. પકડાયેલ આરોપી સોફટવેર વેચનાર સીસ્ટમમાં સુપરસેલરના નામથી ઓળખાય છે.

નવી દિલ્હી રેલ્વે સુરક્ષા દળ હેડ કવાર્ટરથી સુરત રેલ્વે સુરક્ષા દળની અપરાધ શાખાના નિરીક્ષક પુષ્પેન્દ્રસિંહને ૧પ ફેબ્રુઆરીએ કેટલાક આઇપી એડ્રેસ તપાસ માટે મોકલાયા હતા. તેમાંથી કેટલાક આઇપી એડ્રેસ બોગસ નિકળ્યા હતા. જયારે એક શંકાસ્પદ આઇપી એડ્રેસની તપાસ કરતા કરતા રેલ્વે સુરક્ષા દળના અધિકારીઓ કોસંબાના એક સરનામે પહોંચ્યા જયાંથી મુખ્ય આરોપી અમિત પ્રજાપતિ (૩ર) ની ધરપકડ કરવામાં આવી. અમિત સામે અંકલેશ્વર રેલ્વે સુરક્ષાદળ પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. ત્યાર પછી તેને કોર્ટમાં રજૂ કરીને રિમાંડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે અમિતને સાત દિવસના રિમાન્ડ પર રેલ્વે સુરક્ષા દળને સોંપ્યો છે. રેલ્વે સુરક્ષા દળના આઇજી એ. કે. સીંહે આ મહત્વપૂર્ણ કેસની તપાસ સુરત રેલ્વે સુરક્ષા દળના અધિકારી ઇશ્વરસિંહ યાદવને સોંપી છે. ત્યાર પછી અપરાધ શાખાની ટીમ તથા ઇશ્વરસીંહ યાદવે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. સુત્રોએ જણાવ્યું કે અમિતના મોબાઇલમાં હગમેક નામના સોફટવેરની કંટ્રોલ પેનલ મળી આવી છે.

(3:46 pm IST)