Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટેકસ ક્રેડિટ મેળવવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી

કંપનીઓની પિટિશન્સને પગલે હાઈકોર્ટે સરકાર અને ટેકસ વિભાગને નોટિસો ઈસ્યુ કરી

અમદાવાદ : ગ્રાહકોને અને કલાયન્ટને આપેલી ફ્રી ગિફટ અને સેમ્પલ્સ પર ઈન્પૂટ ટેકસ ક્રેડિટ આપવાની ના પાડવા બદલ સરકાર અને ઈનડાયરેકટ ટેકસ ડિપાર્ટમેન્ટ સામે કેટલીક કંપનીઓએ કોર્ટમાં કેસ કર્યા છે. જીએસટી માળખા હેઠળ, કંપનીઓ કાચા માલસામાન અથવા ઈનપૂટ સર્વિસીસ પર થયેલા ખર્ચને ભવિષ્યમાં ચૂકવવાના થતાં ટેકસ સાથે સરભર કરી શકે છે. જો કે, ગિફટ તરીકે અથવા મફતમાં આપેલા ગૂડઝ પર આવો લાભ આપવાની ના પાડવામાં આવતા કંપનીઓએ કાનૂની માર્ગ અપનાવ્યો છે.

   કંપનીઓની પિટિશન્સને પગલે ગુજરાત હાઈકોર્ટે સરકાર અને ટેકસ વિભાગને નોટિસો ઈસ્યુ કરી હતી. કંપનીઓ વતી કોર્ટમાં દલીલ કરનાર ખૈતાન એન્ડ કોના પાર્ટનર અભિષેક એ રસ્તોગીએ જણાવ્યું હતું કે, ગિફટ કે ફ્રી સેમ્પલ્સ પેટે માંડવાળ કરવામાં આવેલા અથવા આપવામાં આવેલા ગૂડઝ પર ઈનપૂટ ટેકસ ક્રેડિટ ન આપવી તે જીએસટીના મુખ્ય હેતુની વિરૂધ્ધ છે. જીએસટીનો મુખ્ય હેતુ જ ઉપરાઉપરી ટેકસને અટકાવવાનો છે અને આથી ક્રેડિટ આપવાની ના પાડવી તે ગેરબંધારણિય છે.

 વર્તમાન નિયમો પ્રમાણે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ ડોકટર્સને અથવા તેમના કલાયન્ટસને આપેલા ફ્રી સેમ્પલ્સ પર ટેકસ ક્રેડિટ થઈ શકતી નથી. કન્ઝયુમર પ્રોડકટ કંપનીઓ અને અન્ય કંપનીઓ પણ તેમના કસ્ટમરને આપેલા કેલેન્ડર અને ચોકલેટ જેવી કસ્ટમાઈઝડ ગિફટ પર ટેકસ ક્રેડિટ લઈ શકતી નથી. કંપનીઓને ક્રેડિટ ન મળવાથી તેમના કુલ ખર્ચમાં વધારો થાય છે. સીજીએસટી એકટ ૨૦૧૮ના સેકશન ૧૭ (૫) (એચ) મુજબ ખોવાયેલા, ચોરાયેલા, નષ્ટ્ર થયેલા કે ગિફટ અથવા ફ્રી તરીકે વહેંચાયેલા ગૂડઝ પર ઈનપૂટ ટેકસ ક્રેડિટ મળી શકે નહીં. આ જોગવાઈને કારણે ફાર્મા અને કન્ઝયુમર ગૂડઝ કંપનીઓ માટે ઘણી સમસ્યા સર્જાઈ છે કારણ કે, આ કંપનીઓ ગિફટ અને ફ્રી સેમ્પલની વહેંચણી કરતી હોય છે. ગિફટસનું પ્રોકયોરમેન્ટ અને ફ્રી સેમ્પલ્સનું ડિસ્ટિ્રબ્યુશન બિઝનેસને આગળ વધારવા માટે હોય છે અને આથી ક્રેડિટની ના પાડવી તેને કોર્ટમાં પડકારી શકાય છે એમ રસ્તોગીએ જણાવ્યું હતું.

આ મુદ્દે સરકાર તરફથી સ્પષ્ટ્રતા પણ કરવામાં આવી હતી પરંતુ ટેકસ નિષ્ણાતો માને છે કે, આ સ્પષ્ટ્રતા ફ્રી સેમ્પલ્સ અને ગિફટસ માટે ઈનપૂટ ટેકસ ક્રેડિટ પર લાગુ પડતી નથી

(11:43 am IST)