Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

અમદાવાદ એરપોર્ટ ઉપર વાંદરાનો ત્રાસ દુર કરવા 'રીંછ'નો તૈનાતીનો પ્રયોગ નિષ્ફળ

વાંદરા 'રીંછ'ને ગણકારતા નથી.. ડરતા પણ નથી

અમદાવાદ, તા.૨૦: એરપોર્ટ પર વાંદરાઓના આતંકને દૂર કરવા માટે રીંછને ઊભું રાખવાનો એરપોર્ટ ઓથોરિટીનો ઉપાય નિષ્ફળ સાબિત થયો છે. વાંદરાઓને ડરાવીને એરપોર્ટથી દૂર રાખવા માટે એરપોર્ટ ઓથોરિટીએ રીંછનું કોસ્ચ્યૂમ પહેરીને એક વ્યકિત રન-વે આસપાસ તહેનાત કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શહેરની મુલાકાત પહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અમદાવાદના આર્મી કેન્ટોનમેન્ટને પત્ર લખીને એરપોર્ટની દીવાલ પાસેના વૃક્ષોની ડાળીઓ કાપવા માટે જણાવ્યું છે. આ દીવાલ આર્મી કેન્ટોનમેન્ટ અને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે આવે છે.

સૂત્રોએ જણાવ્યું કે, આ વૃક્ષોની ડાળીઓ SVIP એરપોર્ટની દિવાલ ઉપર આવી ગઈ છે. આર્મી કેન્ટોનમેન્ટમાં રહેવા માટે ટેવાઈ ગયેલા આ વાંદરાઓ દીવાલ કૂદીને એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં આવી જાય છે. જે વિમાન માટે ભયનજક સાબિત થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, એરપોર્ટ એરિયા નજીકથી ૫૦ જેટલા વાંદરાઓને પાંજરામાં પૂરવામાં આવ્યા હતા. તેમને એરપોર્ટથી ૧૦૦-૧૫૦ કિલોમીટર દૂર જઈને છોડાયા હતા. એરપોર્ટ ઓથોરિટીએ પહેલાથી જ અઠવાડિયાના ૨૪ કલાક માટે પક્ષી અને વન્યજીવને પકડવા ટીમ રાખેલી છે. વિમાન માટે પક્ષીઓ સૌથી વધારે મુશ્કેલી સર્જી શકે છે. મંગળવારે જ બેંગલુરુ જતી ગો-એરની ફ્લાઈટમાં બર્ડ-હિટની ઘટના બની હતી.

(11:40 am IST)