Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય માતા કરતા દાદા અને દાદી સાથે સારૂ છે ફેમિલી કોર્ટ

પતિના અવસાન બાદ સંતાનોની કસ્ટડી લેવાની માતાની અરજી કોર્ટે ફગાવી, માતા કમાતી હોય તેવા પુરાવા કોર્ટમાં રજૂ કરાયા નહોતા

અમદાવાદ, તા.૨૦: પતિના અવસાન બાદ દાદા-દાદી સાથે રહેતા બે બાળકની કસ્ટડી મેળવવા માતાએ કરેલી અરજી ફેમિલી કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે મહત્ત્વપૂર્ણ આદેશમાં કોર્ટે નોંધ કરી હતી કે, આખા કેસની વિગત જોતા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય માતા કરતા દાદા-દાદી સાથે સારું છે. હાઇકોર્ટના ચુકાદાઓ જોતા બાળકોના ભવિષ્યનો વિચાર કરી તેમની કસ્ટડી દાદા-દાદીને સોંપવી યોગ્ય છે. કોર્ટે એવી પણ નોંધ મૂકી હતી કે, બન્ને બાળકને માતાએ જન્મ આપ્યો છે. તે બાયોલોજિકલ માતા હોવાથી તેને પોતાના બાળકોને મળવાનો હક મળવો જોઇએ. જેથી દર બીજા શનિવારે સાંજે છથી રવિવારે સાંજ સુધી બાળકોની વચગાળાની કસ્ટડી દાદા-દાદીએ માતાને સોંપવી.

શહેરના સરસપુર રહેતા રેખાના લગ્ન તેના જ સમાજમાં રોહિત સાથે ૮ ફેબ્રુ.૨૦૦૯ના રોજ થયા હતા. લગ્નજીવનમાં તેમને એક દીકરો(હાલની ઉંમર ૮) અને દીકરી(હાલની ઉંમર ૬)ને જન્મ આપ્યો હતો. જોકે, ૧૯ માર્ચ ૨૦૧૫દ્ગક્ન રોજ રોહિતનું અવસાન થયું હતું. ત્યાર પછી થોડા સમય બાદ રેખા પિયર જતી રહી હતી અને બન્ને બાળક દાદા-દાદી પાસે રહેતા હતાં. તેઓ બન્ને બાળકને સારી રીતે ઉછેરતા હતાં તથા સ્કૂલમાં ભણવા પણ મૂકયા હતા. બીજી તરફ બાળકોની કસ્ટડી મેળવવા માટે રેખાએ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે એવી રજૂઆત કરી હતી કે, પતિના મૃત્યુ બાદ સાસરિયાઓએ ત્રાસ આપી કાઢી મૂકી હતી. બાળકોને તેઓ મળવા પણ દેતા નથી. રાજય કાનૂની સેવા સત્ત્।ા મંડળમાં પણ આ મામલે અરજી કરી હતી, છતાં બાળકોની કસ્ટડી સોંપી નથી. હું બાળકોની કુદરતી માતા છું અને તેમને મારી હૂંફની જરૂર છે. સાસરિયાના સભ્યો નોકરી અને ધંધો કરે છે તેથી બાળકોની સાર સંભાળ લઇ શકતા નથી, જેથી બાળકોની કસ્ટડી મને સોંપવી જોઇએ.

જોકે, દાદા-દાદી તરફે એડવોકેટ શહેનાઝ સૈયદે એવી રજૂઆત કરી હતી કે, માતા કમાતી નથી અને કમાતી હોય તેવા કોઇ જ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા નથી. રેખાની અરજીમાં જ દાદા-દાદી કમાતા હોવાનો ઉલ્લેખ છે તેથી તેઓ કમાઇ બન્ને બાળકને સારું શિક્ષણ, આરોગ્ય પૂરું પાડી શકે તેમ છે, માતા(રેખા) પાસે પોતાનું રહેઠાણ પણ નથી તે પોતે જ પોતાની બહેનને ત્યાં રહી જીવનનિર્વાહ કરે છે ત્યારે બાળકો તેને સોંપવામાં આવે તો તેઓને રહેવાની યોગ્ય જગ્યા પણ મળે તેમ નથી. દાદા-દાદી નાનપણથી જ બન્ને બાળકની સારી સારવાર કરાવતા હોવાના દસ્તાવેજી પુરાવા પણ છે. અરજીમાં સાસુ સહિતના લોકો ત્રાસ આપવાનો મુદ્દો લખ્યો છે, પરંતુ તે પણ પુરવાર થતો નથી. ત્યારે બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય તેમના દાદા-દાદી સાથે જ છે તેથી કસ્ટડી તેમની પાસે જ રહેવા દેવી જોઇએ. (ઓળખ છૂપાવવા નામ બદલ્યાં છે)

(11:39 am IST)