Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

એલઆરડી ભરતી સંદર્ભમાં ચાલતું આંદોલન સમેટાયું છે

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા જાહેરાત : સરકાર અનામત નીતિને વરેલી છે : બંધારણની જોગવાઈ મુજબ અનામતના હકો આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ

અમદાવાદ,તા. ૧૯ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા રાજકીય રૂપ આપીને ઉભુ કરાયેલ એલઆરડી આંદોલન આજે પૂર્ણ થયું છે. ગુજરાતમાં ૨૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સામાજિક સમરસતા, એકતા અને ભાઇચારાનું સર્જન થકી લોકોમાં સુમેળ છે ત્યારે ગુજરાત કોંગ્રેસે યેન કેન પ્રકારે આ ભાઇચારાની ભાવનાને ભ્રષ્ટ કરવાના ષડયંત્રો રચીને યુવાનોને ગેરમાર્ગે દોરી આંદોલન તરફ વાળવાનો હિન પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવાનો સહેજ પણ દોરવાયા સિવાય તેમની પડખે રહ્યા નહીં કેમકે તેમને અમારી સરકાર પર સંપૂર્ણ ભરોસો હતો. એટલે આજે આ સુખદ નિવારણ આવ્યું છે. આજે મહિલા ભરતી સંદર્ભે ચાલી રહેલ વિવાદ માટે મેં આંદોલનકારી મહિલાઓની રૂબરૂ મુલાકાત કરી હતી અને રાજ્ય સરકારે લીધેલા સુખદ નિર્ણયોની જાણ કરીને તેમને વિશ્વાસ આપ્યો  હતો કે રાજ્ય સરકાર હર હંમેશ આપની સાથે છે અને રહેશે. આપને સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.

             એટલે તેઓએ તેમનું આંદોલન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. જાડેજાએ ઉમેર્યુ કે આ ભરતી સંદર્ભે સૌ સમાજના વર્ગોનું હિત જાળવીને ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ નિમણૂંક ત્રણ અઠવાડીયામાં પૂર્ણ થવાની શક્યતા છે અને આપની તમામ પીટીશનરોનો સમાવેશ થઇ જાય તેવી શક્યતા છે. જાડેજાએ ઉમેર્યું કે રાજ્ય સરકાર અનામતની નીતિને સંપૂર્ણ વરેલી છે અને બંધારણની જોગવાઇ મુજબ અનામતના હક્કો પૂરા પાડવા અમારી સરકાર કટિબધ્ધ છે. એલઆરડી ભરતી સંદર્ભે કોઇપણ મહિલા ઉમેદવારોને નુકસાન કે અન્યાય ન થાય તે અમારી પ્રાથમિકતા છે.

             આ ભરતીમાં મહિલાઓને પૂરતું રીઝર્વેશન, ગુણવત્તા મુજબ અને તમામ કેટેગરીની મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે તેની પૂરતી કાળજી પણ રાખવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ ભરતી પ્રક્રિયામાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં તમામ કેટેગરીમાં મહિલા ઉમેદવારોનું મહત્તમ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે કટ ઓફ માકર્સ ૫૦ ટકા એટલે કે ૧૨૫ માંથી ૬૨.૫ માકર્સ નિયત કરાયા છે. સાથે સાથે આ કેડરમાં નિમણુંક કરવા માટે ૨,૪૮૫ વધારાની સુપરન્યુમરી જગ્યાઓ પણ ઉભી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણીએ સમાજમાં સૌહાદપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે અને વધુમાં વધુ ઉમેદવારોને સરકારી નોકરીની તક મળે તે ધ્યાને લઇને એલઆરડી ભરતી સંદર્ભે સુપરન્યુમરી જગ્યાઓ ઉભી કરી તમામ વર્ગની મહિલાઓને નુકસાન ન જાય તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે.

(10:00 pm IST)