Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મોટેરા ખાતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ-વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફુલ પ્રુફ સિક્યુરિટી કવર

સ્ટેડિયમમાં ૪૫૦૦થી વધુ જવાનો તૈનાત થયા : એરપોર્ટથી સાબરમતી આશ્રમ, મોટેરાના માર્ગોની તપાસ

અમદાવાદ, તા.૧૯ : અમદાવાદ શહેરમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા અંતિમ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોટેરામાં ૪૫૦૦થી વધુ પોલીસ જવાનો મોરચા સંભાળી ચુક્યા છે. અહીં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન ૨૪મી ફેબ્રુઆરીના દિવસે આયોજિત કરવામાં આવનાર છે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયા કહી ચુક્યા છે કે તેઓ અમદાવાદ પોલીસના તમામ ૧૨ ડેપ્યુટી કમિશનરો સાથે બેઠક યોજી ચુક્યા છે. ટ્રમ્પની યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાના સંદર્ભમાં આ વાતચીત થઈ છે.

          બેઠકમાં એવો નિર્ણય પણ કરાયો છે કે પોલીસ જવાનોની તૈનાતી તરત જ કરવામાં આવે જેના ભાગરૂપે સ્ટેડિયમમાં આજથી જ તૈનાતી શરૂ થઈ ચુકી છે. ટ્રમ્પ અને મોદીને ફુલ પ્રુફ સિક્યુરિટી કવર આપવા માટેનું આ આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે મોડી રાત્રે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના એરપોર્ટથી લઈને સાબરમતી આશ્રમ અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટની નિરીક્ષણ કામગીરી નિહાળી હતી. સાથે સાથે જ્યાં પણ તકલીફ દેખાઈ છે ત્યાં તકલીફો દુર કરાઈ છે. ટુંકમાં અભૂતપૂર્વ તૈયારીઓને અંતિમ ઓપ અપાયો છે.

(8:54 pm IST)