Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ગ્રામીણ આરોગ્ય સેવા ખોરંભેઃ હડતાલનો છઠ્ઠો દિ': સરકાર નિંભર

સરકાર દ્વારા હડતાલ સમાપ્ત કરાવવા કોઈ ગંભીરતાપૂર્ણ પગલા જ નહિઃ કર્મચારી મહાસંઘ સાંજ સુધીમાં નવા કાર્યક્રમો જાહેર કરશે

રાજકોટ, તા. ૨૦ :. રાજ્યના પંચાયત વિભાગમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે છઠ્ઠો દિવસ છે. ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્યની સેવા ખોરંભે પડી રહી છે. હડતાલનો છઠ્ઠો દિવસ અને કર્મચારી સંઘના શ્રેણીબદ્ધ કાર્યક્રમો છતાં સરકાર દ્વારા હડતાલ પુરી કરાવવાના કોઈ ગંભીરતાપૂર્ણ પ્રયાસો થતુ હોય તેવુ જણાતુ નથી. ૩૫૦૦૦થી વધુ કર્મચારીઓ હડતાલ પર હોવાનું મહાસંઘનું કહેવુ છે. મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ, દવા વિતરણ સહિતની કામગીરી ટલ્લે ચડી ગઈ છે. સરકાર આજે સાંજ સુધીમા મંત્રણા કરી કોઈ ઉકેલ ન લાવે તો કર્મચારી મહાસંઘ નજીકના ભવિષ્યમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમો આપવા માંગે છે.

જિલ્લા પંચાયતો હસ્તકના ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ત્રી અને પુરૂષ આરોગ્ય કાર્યકર સહિતના કર્મચારીઓ તા. ૧૫મીથી હડતાલ પર છે. જિલ્લા કક્ષાએ રેલી, ધરણા, સુત્રોચ્ચાર જેવા કાર્યક્રમો યોજાયેલ. સરકારે અધિકારી કક્ષાએ એક વખત બેઠક યોજેલ. ત્યાર બાદ આજે સવાર સુધીમાં ઉચ્ચ કક્ષાએ મંત્રણા માટેના કોઈ વાવડ ન હોવાથી કર્મચારીઓનો આક્રોશ વધ્યો છે. દર બુધવારે અને શુક્રવારે મમતા દિવસ નિમિતે રસીકરણ સહિતની કામગીરી કરવાની હોય છે. તેમાં હડતાલના કારણે વિક્ષેપ પડયો છે. મેલેરીયા, સ્વાઈન ફલુ જેવા રોગચાળાએ મોઢું ફાડયુ છતા હડતાલ બાબતે સરકાર નિંભર હોય તેવી છાપ પડી છે. હડતાલ નિવારવા માટે સરકારે આજ સુધી કોઈપણ પ્રકારના નોંધપાત્ર પગલા લીધા હોય તેવુ લોકોની જાણમાં નથી. આરોગ્ય જેવી અતિ મહત્વની સેવામાં ગંભીર વિક્ષેપ પડવા છતાં સરકારનું દુર્લક્ષ લોકોમાં ટીકાપાત્ર બન્યુ છે. કર્મચારીઓએ પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું એલાન કર્યુ છે. જો કે આજે વિવિધ કર્મચારી સંઘોની બનેલી સંકલન સમિતિની સરકાર સાથે બેઠક થાય તેવી શકયતા છે. તેની સાથે આરોગ્ય કર્મચારીઓના પ્રશ્ને કોઈ નક્કર કાર્યવાહી થવાની આશા છે.(૨-૯)

(11:54 am IST)