Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ખંભાતમાં સાયકલ ચોરીઓ કરનાર સાયકલ ચોર ઝડપાયો

ગમી ગયેલી સાયકલોએ જ ચોરનો ભાંડો ફોડ્યો : ૨૧ સાયકલો ગમી જતા વેચવાનાં બદલે પોતાની પાસે રાખી

આણંદ, તા.૨૦ : આણંદ જિલ્લાનાં ખંભાત ગ્રામ્ય પોલીસે માત્ર દારૂ પીવાનો ખર્ચ કાઢવા માટે સાયકલોની ચોરીઓ કરતા ચોરને ઝડપી પાડ્યો છે. સાયકલ ચોર પાસેથી વિરસદ તારાપુર પંથકમાંથી ચોરી કરેલી ૨૧ સાયકલો કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ખંભાતનાં જલસણ ગામનો વિષ્ણું ઉર્ફે ધીધી ઉર્ફે મધુબાલા નામનો યુવક માત્ર દારૂ પીવાનો ખર્ચ કાઢવા માટે સાયકલોની ચોરીઓ કરતો હતો, અને તેની પાસે ૨૧ જેટલી ચોરીની સાયકલો મળી આવી છે. વિષ્ણુ ઉર્ફે ધીધી ઉર્ફે મધુબાલા પાસે સાયકલોનો જથ્થો હોઈ લોકોને તેની પર શંકા જતા પોલીસને બાતમી આપી હતી. જેથી પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની ૨૧ સાયકલો કબ્જે કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે સાયકલોની વિરસદ અને તારાપુર પંથકમાંથી ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી.

આરોપી વિષ્ણુ ઉર્ફે ધીધી ઉર્ફે મધુબાલા દારૂની લતે ચઢી ગયો હતો અને દારૂ પીવા માટે તે નાની નાની ચોરીઓ કરતો હતો, અને ધરફોડ ચોરીઓ કરવા જતા પકડાઈ જવાની બીક હોઈ તેણે સાયકલો ચોરી કરવાની શરૂઆત કરી હતી. જેથી તે પકડાઈ જાય નહિ. ચોરી કરેલી સાયકલો તે વેચીને તેમાંથી દારૂ પીવાનાં શોખ પુરા કરતો હતો. પરંતુ ૨૧ જેટલી સાયકલોની ચોરી કર્યા બાદ તેણે સાયકલો ગમી જતા વેચવાનાં બદલે પોતાની પાસે રાખી મુકી હતી અને તેમાં લોકોને શંકા ઉપજી હતી. આખરે વિષ્ણુ ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપીની પાસેથી ચોરીની ૯૮ હજારની કિંમતની સાયકલો કબ્જે કરી આરોપીની ધરરપકડ કરી હતી.

આરોપી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જતો હતો અને બપોરનાં સુમારે ઓછી અવર જવર હોય ત્યારે ઘર પાસે મુકેલી સાયકલની ચોરી કરી ફરાર થઈ જતો હતો. શહેરી વિસ્તારમાં અવર જવર વધુ હોય અને સીસીટીવી કેમેરા હોવાથી પક઼ડાઈ જવાની બીકે તે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીઓ કરતો હતો. ખંભાત ગ્રામ્ય પોલીસ મથકનાં પી.આઈ. આર એન ખાંટે આરોપીને સાયકલનું લોક તોડતા રંગેહાથ ઝડપી પાડી તેની ચોરીનાં ગુનામાં ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

(10:10 pm IST)