Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ગ્રાન્ટેડ સ્કૂલની કોમ્પ્યુટરની ફીમાં ૩ ગણો વધારો મંગાયો

શિક્ષણ વિભાગને પત્ર લખીને વિનંતી કરવામાં આવી : સરકારે ૨૦૦૯માં કમ્પ્યુટર શિક્ષકની લાયકાત તો નક્કી કરી પણ આજદિન સુધી પૂર્ણ શિક્ષક આપવાની કાર્યવાહી કરી નથી

અમદાવાદ, તા.૨૦ : રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને કમ્પ્યુટર ફીમાં વધારો આપવા તેમજ નવા ૨૦ કમ્પ્યુટરની માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે. પત્રમાં કમ્પ્યુટર વિષય માટે એક વિદ્યાર્થીદીઠ મહિને ૫૦ ને બદલે ૧૫૦ રૂપિયા, તેમજ વાર્ષિક ૬૦૦ ને બદલે ૧૮૦૦ રૂપિયા ફી પેટે ઉઘરાવવા મંજૂરી આપવા માગ કરવામાં આવી છે. મહામંડળ દ્વારા એક ગ્રાન્ટેડ શાળાને ૨૦ કમ્પ્યુટર આપવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી એક વર્ગમાં અભ્યાસ કરતા ૬૦ બાળકો સરળતાથી કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરી શકે.

અગાઉ ૧૧ કમ્પ્યુટર ગ્રાન્ટેડ શાળાઓને અપાયા હતા. હવે જો ૨૦ કમ્પ્યુટર અપાશે તો પ્રત્યેક કમ્પ્યુટર પર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકાશે તેવો તર્ક રજૂ કરાયો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૦૨ માં કમ્પ્યુટરને વિષય તરીકે ઉમેરવાનો ઠરાવ કરાયો હતો. વર્ષ ૨૦૦૨ માં વખતે એક વિદ્યાર્થીને મહિને ૫૦ રૂપિયા અને વાર્ષિક ૬૦૦ રૂપિયા ફી ઉઘરાવવાનો નિર્ણય કર્યો હતો. આજે ૨૦ વર્ષ વીત્યા બાદ પણ કમ્પ્યુટર ફીમાં એકપણ રૂપિયાનો વધારો કરાયો નથી.

સરકારે વર્ષ ૨૦૦૯માં કમ્પ્યુટર શિક્ષકની લાયકાત તો નક્કી કરી પણ આજદિન સુધી પૂર્ણ શિક્ષક આપવાની કાર્યવાહી કરી નથી, તેમજ હજુ સુધી કોઈ જોગવાઈ પણ કરી નથી. કમ્પ્યુટરના શિક્ષકનો પગાર ગ્રાન્ટેડ શાળાઓના ટ્રસ્ટ પોતે ચૂકવવા માટે મજબૂર છે. સરકારે વર્ષ ૨૦૦૯ માં આઠમા ધોરણનો સમાવેશ પ્રાથમિક વિભાગમાં કરવાનો નિર્ણય કર્યો, જેના કારણે માધ્યમિકમાં બાળકોની સંખ્યા ઘટી અને ધોરણ ૧૨માં કમ્પ્યુટર વિષય ઓપ્શનલ કરી દીધો છે. હવે સરકાર નવા ૨૦ કમ્પ્યુટર આપે અંગે વાત કરતા મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ૧૦ વર્ષ પહેલાં ૧૧ કમ્પ્યુટર શાળાઓને આપ્યા હતા. ૧૦ વર્ષ પહેલાના કમ્પ્યુટર હવે ખૂબ જુના થયા છે, આજના લેટેસ્ટ કમ્પ્યુટરની સરખામણીમાં હવે ઉપયોગી રહ્યા નથી, સરકાર પરત લઈ લે. હવે નવી માહિતી સામે આવી છે કે ટૂંક સમયમાં નવા કમ્પ્યુટર આપવાની તૈયારી સરકાર કરી રહી છે

સરકાર જો નવા કમ્પ્યુટર આપે તો ૧૧ ના બદલે વખતે ૨૦ કમ્પ્યુટર આપે એવી અપીલ કરવામાં આવી છે. સરકારના કાયદા મુજબ એકવર્ગમાં ૬૦ બાળકો હોવા જરૂરી છેજેથી એક કમ્પ્યુટર પર બાળકોને અભ્યાસ કરાવી શકીએ.

(10:09 pm IST)