Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

આમ આદમી પાર્ટીના ગાંધીનગરના નેતાઓ ભાજપમાં જોડાયા

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડયું : એએપીના ગાંધીનગર જિલ્લા મહિલા પ્રમુખ સાવિત્રીબેન શર્મા સહિતના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા

ગાંધીનગર, તા.૨૦ : વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિનાની વાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડયુ છે. લોકગાયક વિજય સુંવાળા અને સૌરાષ્ટ્રના મોટા ઉધોગપતિ મહેશ સવાણીએ આપના ઝાડુનો સાથ છોડી દીધો છે. વિજય સુવાળાએ તો ભાજપનો હાથ પકડી લીધો છે, પરંતુ મહેશ સવાણીએ હજુ સુધી કોઈ ફોલ  પાડ્યો નથી. ત્યારે વધુ એક વખત AAPમાં આજે એક મોટું ગાબડું પડ્યું છે. AAPના ગધીનગરના નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર જિલ્લા કક્ષાના નેતાઓ કમલમથી આજે ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લા મહિલા પ્રમુખ સાવિત્રીબેન શર્મા સહિતના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

વિશે મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લાના નેતા તેમના સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અગ્રણીઓની હાજરીમાં તેમણે કેસરિયો કેસ ધારણ કર્યો હતો. ભાજપના ડો. ઋત્વિજ પટેલ સહિતના નેતાઓ છછઁના નેતાઓને આવકારવા હાજર રહ્યા હતા. જેમના હાથે છછઁના મોટા નેતાઓએ ભાજપનો કેસ ઓઢ્યો છે. તમને જણાવી દઈએ કે, આપના અગ્રણી નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપને અલવિદા કર્યુ છે. તેમણે હાલ રાજકીય સંન્યાસ લીધો છે પણ આવનારાં દિવસોમાં તેઓ ઘરવાપસી કરે તેવા એંધાણ મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ છે જેનાથી આપના ટોચના નેતાઓ ઘણાં સમયથી વ્યથિત છે. ગાયક કલાકાર વિજય સુંવાળાનો આપ પ્રત્યેનો મોહ ભંગ થયો હતો. રાજીનામુ ધરી સુંવાળાએ એવુ જણાવ્યું હતુ કે, હું ગાયકીમાં ધ્યાન આપી શકતો નથી જેથી પક્ષ છોડી રહ્યો છું. પણ પાર્ટી છોડ્યાના ૨૪ કલાકમાં સુંવાળાના સૂર બદલાયા હતાં.

નોંધનીય છે કે ગુજરાતમાં ભાજપે અત્યારથી વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરી છે ત્યારે  ઉત્તરપ્રદેશની રાજકીય ઇમેજ ગુજરાતના મતદારો પર અવળી અસર કરે તેમ છે તેવા ડરથી ગુજરાત ભાજપે આપને નિશાન બનાવી છે અને ટોચના નેતાઓને પક્ષપલટો કરાવી ભરતી અભિયાન હાથ ધર્યુ છે. ગુજરાતમાં કોંગ્રેસ-આપના નેતાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યા છે તેવુ રાજકીય ચિત્ર ઉભુ કરવા પ્રદેશ નેતાગીરી સક્રિય બની છે.

(10:07 pm IST)