Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સુરતમાં ડમ્પર બાઈકને અડફેટે લઈ ચાલકને 40 ફૂટ ઘસડી ગયુ: બાઇક ચાલક રમેશ મહાજનનું મૃત્યુ : લોકોમાં રોષ

પરિવારે પોતાનો વ્હાલસોયો ખોતા ભારે રોષ વ્યક્ત કરીને મૃતકના મૃતદેહ સાથે જ રસ્તા પર બેસી ગયા હતા

સુરત :શહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડિંડોલી વિસ્તારમાં ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતાં 45 વર્ષનાં રમેશ મહાજનનું કરૂણ મોત નીપજ્યું છે. ડમ્પરે બાઇક ચાલકને આશરે 40 ફૂટ સુધી ઢસડ્યો હતો. જે બાદ આસપાસના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. પરિવારે પણ પોતાનો વ્હાલસોયો ખોતા ભારે રોષ વ્યક્ત કરીને મૃતકના મૃતદેહ સાથે જ રસ્તા પર બેસી ગયા હતા. આ કેસમાં ડિંડોલી પોલીસે પરિવાર અને અન્ય લોકોને સમજાવ્યા હતા. ડિંડોલી પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ અકસ્માત સીસીટીવીમાં (accident CCTV) કેદ થયો હતો.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી બસ સ્ટેન્ડની સામે અને શાકભાજીના માર્કેટ નજીક ત્રણ રસ્તા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત થતા બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.ડમ્પર ચાલકે બાઇક ચાલકને આશરે 40 ફૂટ સુધી ઘસડી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા.તપાસ કરતા સામે આવ્યું કે, મૃતકનું નામ રમેશ મહાજન છે અને તે 45 વર્ષના છે. તેઓ ડિંડોલી રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતા હતા. સામાન્ય રીતે સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી શહેરની અંદર મોટા વાહનો પર પ્રતિબંધ હોય છે. તો આ વાહન સવારે 9 વાગ્યા બાદ શહેરમાં કેમ ફરતું હતું તે પર તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.આ અકસ્માત બાદ પરિવારના સ્વજનનાઓએ મૃતદેહ સાથે રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ડિંડોલી પોલીસે પૂછપરછ અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(9:51 pm IST)