Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

‘આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ’ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના અભિયાનનો પ્રધાનમંત્રીના હસ્તે રાષ્ટ્રવ્યાપી પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા: સ્વતંત્રતાનો ભવ્ય ઇતિહાસ-સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો આપણે નવી પેઢીને આપવાનો છે:મુખ્યમંત્રી

અમદાવાદ :પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રજાપિતા બ્રહ્માની પ૩મી પૂણ્યતિથી અવસરે ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અભિયાનનો રાષ્ટ્રિય લોકાર્પણ સમારોહ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ આ ઉજવણીને સુવર્ણ ભારત માટેની લાગણી, ભાવના અને પ્રેરણાના ઉદાહરણ રૂપ અવસર ગણાવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ સમારોહમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર, કેન્દ્રીય મંત્રીઓ સર્વ જી. કિશન રેડ્ડી,ભૂપેન્દ્ર યાદવ, અર્જુન મેઘવાલ,પુરૂષોત્તમ રૂપાલા અને રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત વગેરે સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા.
શ્રી ભૂપેન્દ્ર પટેલે સમાજ જીવનમાં મનની શાંતિ, ચિત્તની સ્થિરતા, આત્માની શુદ્ધિ અને વર્તનમાં પવિત્રતા માટે બ્રહ્માકુમારીઝના બંધુ-ભગિનીઓ અને અનુયાયીઓના યોગદાનની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ દેશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણા માર્ગદર્શનમાં આઝાદીનો અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના ૭પ વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે બ્રહ્માકુમારીઝના આ અભિયાનોને તેમાં નવું બળ પુરૂં પાડનારા ગણાવ્યા હતા.
તેમણે કહ્યું કે, આ અમૃત મહોત્સવ ઇતિહાસના સ્મરણો સાથે વર્તમાનનો પથ પ્રશસ્ત કરીને સ્વતંત્રતાની શતાબ્દીની ઉજવણીની કેડી કંડારવાનો અવસર બનશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી સ્વતંત્રતાનો ભવ્ય ઇતિહાસ તથા સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો આપણે નવી પેઢીને આપવાનો છે. બ્રહ્માકુમારીઝ જેવી સંસ્થાઓ માનવીય મૂલ્યોના સંસ્કાર સિંચનથી આ દિશામાં મહત્વનું કામ કરી રહી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી સહિત સૌ મહાનુભાવો અને વિશ્વભરના પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ અનુયાયીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇનો પ્રેરણાત્મક સંદેશ આ અવસરે ઝિલ્યો હતો.

(6:34 pm IST)