Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પ્રધાનમંત્રીની દૂરદર્શીતાથી ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની સમયાનુકુલ માંગ મુજબનું સ્કીલ્ડ યુથ કલ્ચર ઉભું કરવામાં અગ્રેસરતા લીધી છે : ગુજરાતની યુવાશક્તિને ગ્લોબલ યુથ બનાવવાની પ્રતિબદ્ધતામાંથી સેક્ટરલ યુનિવર્સિટીઝની નવતર પહેલ : આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાશક્તિ માટે અનેક અવસરો અને તકો છે : નવી શિક્ષણ નીતિ NEPના હોલિસ્ટીક એજ્યુકેશનલ ડેવલપમેન્ટના ધ્યેયને સુસંગત રોડ મેપ ગુજરાતે તૈયાર કર્યો છે : પદવી પ્રાપ્ત યુવાઓ રાષ્ટ્રહિત કાર્યો જનકલ્યાણ ભાવનાને અભિન્ન હિસ્સો બનાવે : ભૂપેન્દ્રભાઈ પટેલ

સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી થકી પોતાનું યોગદાન આપે એ આજના સમયની તાતી જરૂરિયાત : IITRAM ખાતે એરોસ્પેસ એન્જિનિયરિંગને પ્રોત્સાહન માટે "એરો-રોબોટિક્સ" કાર્યક્રમ : સંરક્ષણ તકનીકી ક્ષેત્રે "ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (IDSRF) કાર્યરત : રાજ્ય સરકારે IITRAMમાં સેન્ટર ઓફ એક્સલન્સ અને એરોસ્પેસ એન્જીનીયરીંગને પ્રોત્સાહન આપ્યું છે : જિતુભાઇ વાઘાણીઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ-IIT RAM અમદાવાદના ૪ થા પદવીદાન સમારોહમાં રૂ. ૧૪૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૩ નવા ભવનોનું ખાતમૂર્હત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ-શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી વર્ચ્યુઅલ સહભાગી થયા : ૩૭૩ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત-૨૦ જેટલા મેડલ્સ અપાયા

રાજકોટ તા.૨૦ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરદર્શીતાથી ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની સમયાનુકુલ માંગ મુજબનું સ્કીલ્ડ યુથ કલ્ચર ઉભું કરવામાં અગ્રેસરતા લીધી છે. 

ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ-IIT RAM અમદાવાદના ૪ થા પદવીદાન સમારોહમાં અધ્યક્ષીય સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ આ મત દર્શાવ્યો હતો. 

આ પદવીદાન સમારોહ ૩૭૦ થી વધુ વિદ્યાર્થીઓને પદવી અને તજજ્ઞતા પ્રાપ્ત ર૦ જેટલા છાત્રોને મેડલ્સ એનાયત કરવામાં મુખ્યમંત્રીશ્રી વર્ચ્યુઅલ સહભાગી થયા હતા.

તેમણે આ ઇન્સ્ટીટયુટના પરિસરમાં કુલ રૂ. ૧૪૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા હોસ્ટેલ ભવન, એકેડેમીક બ્લોક તથા ફેકલ્ટી હાઉસીંગના ભૂમિપૂજન પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી જોડાઇને કર્યા હતા. 

શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી, યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગર્વનન્સના ચેરમેન શ્રી સુધીર મહેતા તેમજ પ્રાધ્યાપક ગણ, પદવી મેળવનાર યુવા છાત્રો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પદવી મેળવનારા યુવાઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે, ગુજરાતની યુવાશક્તિને ગ્લોબલ યુથ બનાવવાની શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતામાંથી રાજ્યમાં સેક્ટરલ યુનિવર્સિટીઝની નવતર ભેટ મળી છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રક્ષાશક્તિ યુનિવર્સિટી, રેલ્વે યુનિવર્સિટી, મરિન યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, સ્ટાર્ટઅપ યુનિવર્સિટી અને ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી સહિતની બહુવિધ યુનિવર્સિટીઓમાં હવે IIT RAM નું નામ પણ જોડાઇ ગયું છે. 

શ્રી ભૂપેન્દ્ર પટેલે ર૧મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે અને ભારત આ સદીમાં વિશ્વગુરૂ બનવા પ્રધાનમંત્રીશ્રીના દિશાદશર્નમાં સજ્જ બન્યું છે. ગુજરાત તેનું કેન્દ્રબિન્દુ બનવા આવી વિવિધ વૈશ્વિક જ્ઞાન પિરસતી યુનિવર્સિટીઓથી પ્રતિબદ્ધ છે તેમ પણ ઉમેર્યુ હતું. 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશમાં જ્યારે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની વાતો થતી હતી ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજથી દશક પહેલાં આગવી દીર્ઘદ્રષ્ટિથી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં યોગદાન આપતા યુવાનો ગુજરાતમાં તૈયાર કરવા IIT RAMનું બિજ રોપ્યુ હતું. 

તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશમાં ઓવર ઓલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ પાઇપલાઇન, મલ્ટિ મોડેલ કનેક્ટીવીટીના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન જેવી પહેલ કરી છે. 

ગુજરાતનો યુવાન આવા ક્ષેત્રોમાં પોતાના જ્ઞાન કૌશલ્યથી પ્રદાન કરે તેવું જ્ઞાન આ યુનિવર્સિટી પુરૂં પાડે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ પદવી ધારક યુવાઓને આહવાન કર્યુ કે, ર૧મી સદીના વિકસીત ભારતમાં યુવાશક્તિ તરીકે તેઓ પોતાની જાતને કયાં જોવા માંગે છે તે નિર્ધાર કરીને એ દિશામાં કાર્યરત થવાનો સંકલ્પ યુવાઓએ કરવો પડે. 

તેમણે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ યુવાશક્તિ માટે અનેક અવસરો અને તકો છે અને તેના સામર્થ્યથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પડશે એવો તેમને દ્રઢ વિશ્વાસ છે. 

શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ ઉમેર્યુ કે, વિશ્વની માંગ પારખીને ગુજરાતમાં આપણે એવી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ ઉભી કરી છે કે ગુજરાતનો યુવાન વિશ્વ સાથે બરોબરી કરી શકે. એટલું જ નહિ, આંખમાં આંખ મેળવીને વાત કરી શકે તેવો સક્ષમ બને. 

નવી શિક્ષણ નીતિ-NEPમાં હોલિસ્ટીક એજ્યુકેશનલ ડેવલપમેન્ટનો જે ધ્યેય રાખવામાં આવ્યો છે તેને સુસંગત રોડ મેપ ગુજરાતે તૈયાર કર્યો છે એમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ પદવી પ્રાપ્ત કરીને સમાજમાં પદાર્પણ કરી રહેલા યુવાઓને રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવા રાષ્ટ્રહિત કાર્યો અને જનકલ્યાણની ભાવનાને તેમના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા પણ અનુરોધ કર્યો હતો. 

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ IITRAMના આ ચોથા પદવીદાન સમારોહમા વર્ચ્યુઅલી સહભાગી થઈ ડિગ્રી પ્રાપ્ત વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યુ હતું કે, સમૃધ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી થકી પોતાનુ યોગદાન આપે એ આજના સમયની તાતી જરૂરિયાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજયના યુવાઓને વૈશ્વિક સ્તરનુ શિક્ષણ મળી રહે એ માટે રાજયમા રાષ્ટ્રીય સ્તરની અનેક સંસ્થાઓ કાર્યરત કરી હતી.જે અંતર્ગત ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM)ની સ્થાપના દેશ અને વિદેશમાં ઉદ્યોગો, શહેરી સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓ સાથે સહયોગ કરીને ભારતીય ઈન્ફ્રાસ્ટ્રકચરમાં અપેક્ષિત પરિવર્તનને સમર્થન આપવા માટે કરવામાં આવી છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્થા ખાતે અનેક નવિન અભ્યાસક્રમો સાથે સંશોધનના આયામો પણ હાથ ધરાઈ રહ્યા છે 

તેમણે ઉમેર્યુ કે, IITRAM ખાતે ગુજરાત સરકારનું સેન્ટર ઓફ એક્સલન્સ, ઈ-યંત્ર લેબોરેટરી, ફુલ્લી ઓટોમેટેડ લાઈબ્રેરી, લેટેસ્ટ કમ્પ્યુટર ધરાવતાં કમ્પ્યુટર સેન્ટર્સ, અત્યાધુનિક લેબોરેટરીઓ, સ્માર્ટ ક્લાસ રૂમ્સ, અને વાઈફાઈ કેમ્પસ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલુ જ નહી વિદ્યાર્થીઓને રીસર્ચનું પ્રેરણાબળ પુરુ પાડવા તેમજ વિવિધ વિષયો ઉપર રીસર્ચ માટે IITRAM આંતરરાષ્ટ્રીય સહયોગો હાથ ધર્યા છે. 

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સંસ્થા ખાતે લ્યુબ્લજાના યુનિવર્સિટી, સ્લોવેનિયા શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે, હિરોશિમા યુનિવર્સિટી, જાપાન, જેકોબ્સ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ બ્રેમેન, જર્મની, લોફબોરો યુનિવર્સિટી, યુકે, ICA, તુલોઝ, ફ્રાન્સ, સ્વાઈન બર્ન યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા,  કર્ટીન યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા, UTRGV; ટેક્સાસ, યુએસએ સાથે સહકાર કરવામાં આવેલા છે. તેવી જ રીતે રાષ્ટ્રીય સ્તરે વિવિધ સહયોગો હાથ ધર્યા છે જેવા કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બેના (IITB) સેન્ટર ફોર ડિસ્ટન્સમાં રિમોટ સેન્ટર તરીકે IITRAM સક્રિય છે. જેના ધ્વારા વિવિધ એન્જિનિયરિંગ એજ્યુકેશન પ્રોગ્રામો હાથ ધરવામા આવે છે.

તેમણે ઉમેર્યુ કે,ગુજરાત સરકારે IITRAM ખાતે એરોસ્પેસ એન્જિનિયરિંગની પ્રવૃત્તિને સમર્થન આપ્યું છે. તેના ધ્વારા "એરો-રોબોટિક્સ"નો એક કાર્યક્રમ 2019-20 થી શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની રોજગારી અને તેની ઉપયોગીતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની રચના કરવામાં આવી છે  ગુજરાત સરકારે IITRAM માં સંરક્ષણ તકનીકના ક્ષેત્રમાં પ્રવૃત્તિ શરૂ કરી છે. જેની સ્થાપના "ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (IDSRF) તરીકે કરવામાં આવી છે. IDSRF ધ્વારા ડિફેન્સ ટેકનોલોજી પર ઓનર્સ અને માઈનર પ્રોગ્રામો હાથ ધરવામાં આવી રહ્યા છે. 

IITRAMના ચેરમેન શ્રી સુધીર મહેતાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થામા ચાલતા અભ્યાસક્રમો અને સંસ્થાની કામગીરીની વિગતો આપી ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ વેળાએ શિક્ષણ રાજયમંત્રીશ્રી કુબેરજીભાઈ ડિંડોર, શિક્ષણ વિભાગના સચિવ શ્રી એસ.જે.હૈદર વર્ચ્યુઅલી સહભાગી થયા હતા.

(4:58 pm IST)