Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

દોસ્ત દોસ્ત ના રહા

આપઘાત કરતા પહેલા યુવકે સુસાઈડ નોટ લખીઃ મિત્ર બદનામ કરવાની ધમકી આપતો હોવાનું બહાર આવ્યું

અમદાવાદ, તા. ર૦ : શહેરકોટડા વિસ્તારમાં રહેતા યુવકને તેનો મિત્ર અવાર નવાર ખોટી રીતે બદનામ કરવાની ધમકી આપીને હેરાન કરતો હોવાથી તંગ આવેલા મિત્રએ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા યુવકે સુસાઈડ નોટ પણ લખી હતી. આપઘાત કર્યા પછીના થોડા દિવસ બાદ સુસાઈડ નોટ યુવકના પરીવારજનોને મળતા તેમણે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારે મિત્રના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરતી ફરીયાદ નોંધાવી છે. પોલીસે આપઘાત માટેની દુષ્પ્રેરણા સહીતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દહેગામ રોડ પાસે આવેલી રેસીડેન્સીમાં રહેતા નરેશભાઈ તેમના પરીવાર સાથે ઘરે હાજર હતા ત્યારે તેમની બહેન શર્મીસ્ટાએ ફોન કરી જણાવ્યું હતુ કે, તમારો નાનો ભાઈ અલ્પેશ દરવાજો ખોલતો નથી જલ્દી નરોડા ખાતેના ઘરે આવી જાવ. જેથી નરેશભાઈ તેમની પત્ની સાથે ત્યાં પહોચી દરવાજો તોડ્યો ત્યારે તેમનો ભાઈ ઘરની છતના લાકડાના મોભા સાથે સાડીનો છેડો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ ઘટનાના થોડા દિવસ બાદ નરેશભાઈની પત્નીને તેના ભાઈના ઘરેથી એક લેટર મળ્યો હતો જેમાં લખ્યું હતુ કે, મારો મિત્ર સિધ્ધાર્થ ખોટી રીતે બદનામ કરે છે અને અવાર નવાર માનસિક ત્રાસ આપી રહ્યો છે એટલુ જ નહીં મને આત્મહત્યા કરવા માટે પ્રેરી રહ્યો છે જેથી તંગ આવીને હું આપઘાત કરી રહ્યો છું. આ અંગેની સુસાઈડ નોટ મળી આવતા નરેશભાઈએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં સિધ્ધાર્થ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આપઘાત માટેની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:24 pm IST)