Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભારત ખાતરની આયાતના બદલે નિકાસ કરે તે 'ઇફકો'નો ધ્યેય : દિલીપ સંઘાણી

દુનિયાની ખાતર બનાવતી સૌથી મોટી કંપનીનું ચેરમેન પદ પ્રથમ વખત સૌરાષ્ટ્રના ભાગે : નવા ચેરમેનની અકિલા સાથે વાતચીત : નેનો યુરિયા (પ્રવાહી) ખાતરની ૧ાા કરોડ બોટલનું વેંચાણ : હવે પ્રવાહી ડીએપી આવશે : નવા સંશોધનો પર ભાર

રાજકોટ તા. ૨૦ : દુનિયામાં ખાતર બનાવતી સૌથી મોટી સહકારી સંસ્થા તરીકે જાણીતી ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ (ઇફકો)ના ચેરમેન તરીકે ગઇકાલે ગુજરાતના સુપ્રસિધ્ધ સહકારી અગ્રણી અને ભૂતપૂર્વ કેબીનેટ મંત્રી શ્રી દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. સંસ્થાના ચેરમેનના અવસાન વખતથી વાઇસ ચેરમેનના હોદ્દાની રૂએ તેઓ કાર્યકારી ચેરમેન હતા. હવે બાકીના ૩ાા વર્ષની મુદ્દત માટે રેગ્યુલર ચેરમેન બન્યા છે. તેમણે ઇફકોના માધ્યમથી ભારતને રસાયણિક ખાતરની બાબતમાં આત્મનિર્ભર બનાવવાની નેમ વ્યકત કરી છે. (મો. ૯૪૨૬૬ ૨૨૯૨૯)

શ્રી દિલીપ સંઘાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, વાર્ષિક રૂપિયા ૫૫ હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતા સંસ્થા ઇફકોના સુકાની તરીકે સખત પરિશ્રમ અને પુરી નિષ્ઠાથી કાર્યરત રહીશ. હાલ દેશની કુલ જરૂરીયાતનું અડધા જેટલું ખાતર વિદેશથી આયાત કરવું પડે છે તેના બદલે ભારત ખાતરની બાબતમાં આત્મનિર્ભર બને અને ખાતરની આયાતના બદલે નિકાસ કરી દેશ વિદેશી હુંડીયામણ મેળવી શકે તેવો ધ્યેય છે.

શ્રી સંઘાણીએ જણાવેલ કે, રાસાયણિક ખાતર અને દવાના ક્ષેત્રે નવા સંશોધનો પર ભાર મૂકાશે. નેનો પ્રવાહી યુરિયાએ કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. અત્યાર સુધીમાં નેનો યુરિયાની દોઢ કરોડ બોટલ વેંચાઇ ગઇ છે. નેનો પ્રવાહી ડીએપી બનાવવા માટે જોશભેર કામગીરી ચાલુ છે. નવા સંશોધનોથી ખેડૂતોને ફાયદો થશે અને સરકારને સબસીડીની રકમ ચૂકવવામાં રાહત થશે. ઝીંક, કોપર વગેરેમાં પણ ખાતરની દૃષ્ટિએ શકયતા તપાસાશે.

(10:41 am IST)