Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઅો માટે વિટામીન-સી, ઝીંક જેવી દવાઅોની માંગમાં વધારોઃ ઓનનલાઇન દવાના વેંચાણથી કેમિસ્ટ ઍસોસિઍશનની ચિંતા વધી

પ્રિસ્ક્રિપ્શન વગર જ લોકો દવાઓ લેતા થતા દવાની આડઅસર થવાની શક્યતા

અમદાવાદ: રાજ્યમાં કેટલીક દવાઓની માગમાં વધારો થયો છે. કોરોનાના કેસ વધતા દવાની માગમાં વધારો થયો છે. એઝીથ્રોમાઇસીન, પેરાસીટામોલ જેવી દવાની માંગ વધી છે. વિટામિન સી, ઝીંક જેવી દવાઓની પણ માંગ વધી છે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓ આ દવાનું સેવન કરી રહ્યા છે. લોકો દવાઓનું સેવન જાતે જ કરતા હોવાનું સામે આવ્યું છે. આવામાં ઓનલાઈન દવાનુ વેચાણ વધી ગયુ છે. ઓનલાઇન દવાના વેચાણથી કેમિસ્ટ એસોસિએશન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંત પટેલે કહ્યું કે આપણા કરતા પણ વિકસિત દેશોમાં પણ દવાઓનું વેચાણ ઓનલાઇન થતું જ નથી. ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાએ લેખિતમાં ઓનલાઇન દવાનાં વેચાણ પર રોક લગાવી છે, તેમજ દિલ્લી અને ચેન્નઈ હાઇકોર્ટ દ્વારા સ્ટે મુકવામાં આવ્યો છે પરંતુ કાયદાની આન્ટીઘૂંટીને કારણે આજે પણ ઓનલાઇન દવાનો ધંધો ચાલુ છે. ગર્ભપાતની દવાઓ ઓનલાઇન વેચાતી હતી, અમે વિરોધ કરી આ દવાઓનું વેચાણ બંધ કરાવ્યું છે. અનેક ડુપ્લીકેટ દવાઓ ઓનલાઇનના માધ્યમથી વેચાણ થઈ રહ્યું છે. ડોક્ટરો ભાડે રાખી દર્દીને જોયા વગર જ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવામાં છે. 15 ટકા જેટલી દવાઓ હાલ ઓનલાઇન વેચાઈ રહી છે.

તેમણે કહ્યું કે, ઓનલાઇન દવાના વેચાણથી બેરોજગારી તો આવે જ છે, પરંતુ પ્રિસ્ક્રિપ્શન વિના જ લોકો દવાઓ લઈ તેનું સેવન કરે છે. ઓનલાઈન દવાનું વેચાણ બંધ થાય એ સંદર્ભે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રૂબરૂ રજુઆત કરી છે. અમે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાને પણ 3 વાર મળી ચુક્યા છે, એમને પણ રજૂઆત કરી છે. કેન્દ્રિયમંત્રીએ અમને બાંહેધરી પણ આપી છે કે જરૂરી ફેરફાર કરીને કાયદામાં ફેરફાર કરીશું.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં દવાઓનું સેવન ડોક્ટરની સલાહ મુજબ જ લેવા સૂચન છે. આવામાં દવાની આડઅસર કિડની અને લીવર પર થવાની શક્યતા છે.

(4:58 pm IST)