Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અમદાવાદમાં લગ્નનાં બેન્ડવાજાં કોરોના કેસનો દૈનિક આંક ૧૦ હજારે પહોંચાડશે

લગ્ન સમારંભો માટે વધુ કડક નિયંત્રણો લાગુ થઈ શકે અને મહેમાનોની સંખ્યા ઘટાડીને ૫૦થી ૭૦ કરાય તેવી પણ શક્યતા

અમદાવાદ : રાજ્યમાં આજે કોરોનાના સૌથી વધુ અમદાવાદમાં 8,371 કેસ સામે આવ્યા છે. ત્યારે હવે કેટલાક નવા નિયંત્રણો માટે તૈયાર રહેવું પડશે. રાજ્ય સરકાર દ્વારા ૨૨ જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર લગ્ન સમારંભોમાં ૧૫૦ મહેમાનોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અમદાવાદ સહિતનાં શહેરોમાં થયેલા કોરોનાના મહાવિસ્ફોટને જોતાં ગમે ત્યારે લગ્ન સમારંભો માટે વધુ કડક નિયંત્રણો લાગુ થઈ શકે છે અને મહેમાનોની સંખ્યા ઘટાડીને ૫૦થી ૭૦ કરાય તેવી પણ શક્યતા છે.

છેક ગોવા, દીવ-દમણ, માઉન્ટ આબુ સહિતનાં સ્થળોએથી ન્યૂ યર ઊજવીને આવેલા અમદાવાદીઓથી ઉત્તરાયણ બાદ કોરોના સંક્રમણની સુનામી આવશે તેવી તબીબોની ભીતિ કમનસીબે સાચી પડી છે. છેલ્લા ત્રણ ‌દિવસમાં દર બે મિનિટે સાત અમદાવાદીને કોરોના વળગી રહ્યો છે.

અમદાવાદના શહેરીજનોએ પતંગના તહેવાર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને કોરોનાનો ખોફ ભૂલીને ધમાકેદાર રીતે ઊજવતાં સ્વાભાવિક રીતે કોરોનાનો મહાવિસ્ફોટ વધુ તીવ્ર બનશે અને અમદાવાદીઓને ઉત્તરાયણની મજાની સજા તા.ર૬ જાન્યુઆરી સુધીમાં કોરોનાના ચેપથી મળશે તેવી દહેશત તબીબોએ વ્યક્ત કરી છે, જોકે હાલ તો લગ્નસરાની સિઝને જમાવટ કરી હોઈ તેમાં થતી ભીડભાડથી તબીબો ચિંતામાં ગરકાવ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા ૪૦૦ના બદલે ૧પ૦ મહેમાનોની છૂટ અપાતાં લગ્નમાં મહાલવા પર અમુકઅંશે અંકુશ મૂક્યો છે તેમ છતાં કમનસીબે ઉત્સાહી લોકો લગ્નમાં થતી ભીડને નિયંત્રિત કરી શકતા નથી. જે પ્રકારે લગ્ન સમારંભમાં કોવિડ ગાઈડલાઇનનો ભંગ થઇ રહ્યો છે તેને જોતાં ટૂંક સમયમાં અમદાવાદમાં કોરોનાના રોજના કેસ ૧૦ હજારના આંકને પાર કરી જાય તો પણ નવાઇ પામવા જેવું નથી. કમનસીબે મ્યુનિ. કોર્પોરેશન પણ લગ્નમાં કોવિડ ગાઇડલાઇનના પાલનની સખતાઇ માટે ખાસ સક્રિય નથી. તંત્રની આ આળસ પણ અમદાવાદીઓને ભારે પડવાની છે.

અગાઉ મ્યુનિ. તંત્ર દ્વારા શહેરના મોટા શોપિંગ મોલ, હોટલ-રેસ્ટોરાં વગેરેમાં આવતા નાગરિકોએ કોરોનાની વેક્સિન લીધી છે કે નહીં તે માટે તેના સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવતી હતી. મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે ર૩ નવેમ્બર, ર૦ર૧થી આ કામગીરી શરૂ કરી હતી, જે હેઠળ વેક્સિન વગરના લોકોને મોલ, હોટલ અને રેસ્ટોરાંમાંથી બહાર કઢાતા હતા. કમુરતાં પહેલાં પણ શહેરની જાણીતી ક્લબ સહિત વિવિધ સ્થળોએ યોજાયેલા લગ્ન સમારંભમાં સર્ટિફિકેટ તપાસવાની કામગીરી કરી હતી. હવે કમુરતાં ઊતરતાં ફરી જામેલી લગ્નસરાની સિઝનમાં મ્યુનિ. તંત્રની ગેરહાજરી આંખે ઊડીને વળગે છે.

કોરોના અને તેના વેરિઅન્ટ ઓમિક્રોન સામે લડત આપવા વેક્સિનેશન જ એકમાત્ર અસરકારક ઉપાય છે તે બાબત તેની થર્ડ વેવમાં પણ તબીબી દૃષ્ટિએ પુરવાર થઈ ચૂકી છે. વેક્સિનના બે ડોઝ લેનાર વ્યક્તિને કોરોનાની અસર હળવી થાય છે, જ્યારે વેક્સિનનો એક પણ ડોઝ ન લેનાર તેમજ એક ડોઝ લેનાર વ્યક્તિની હાલત ગંભીર થતાં તેમને વેન્ટિલેટર પર મૂકવા પડશે. ગઈકાલની સ્થિતિએ વિવિધ હોસ્પિટલમાં કોરોનાના કુલ ૩પ૦ દર્દી સારવાર હેઠળ હોઈ તેમાં વેક્સિનની અવગણના કરનારા લોકો જ ઓક્સિજન માટે હોસ્પિટલના બેડ પર તરફડિયાં મારી રહ્યાં છે. આ સંજોગોમાં લગ્નમાં મહાલતાં પહેલાં વર-વધૂ પક્ષે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈ લેવા હિતાવહ બનશે તેમ તબીબો સ્પષ્ટપણે માને છે. કોરોનાને આગળ વધતો અટકાવવા માટે વરરાજાએ ઘોડા પર સવાર થતાં કે ગાડીમાં બેસતાં પહેલાં વર પક્ષના તમામ જાનૈયાઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાની ખાતરી કરવી પડશે. એ જ પ્રમાણે કન્યા પક્ષે પણ વરરાજાને પોંખતાં પહેલાં વેક્સિનેશન બાબતે ખાસ કાળજી રાખવી પડશે. ૧પ૦ની મર્યાદા જાળવવી પડશે, જોકે આ મર્યાદાના કારણે કેટલાક લોકોએ અમદાવાદ બહાર લગ્ન ગોઠવ્યાં છે તેમ છતાં તે પણ કોરોનાના મામલે ભયજનક છે. હાલમાં જે પણ કોરોનાના નવા દર્દી મળી રહ્યા છે તેમાં લગ્ન માણીને આવેલા લોકોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે.

શહેરમાં લગ્નની ધૂમ મચી છે. એક અંદાજ પ્રમાણે પાંચ હજાર જેટલાં લગ્નનું જાન્યુઆરીમાં જ આયોજન થયું છે. ર૦રરની દિવાળી સુધીમાં લગ્નનાં કુલ ૪૦ મુહૂર્ત હોઈ જાન્યુઆરીમાં સૌથી વધુ ૧૦ મુહૂર્ત છે. ર૦થી ર૯ જાન્યુઆરી સુધી ર૪ જાન્યુઆરીનો અપવાદ છોડીને સળંગ લગ્નનાં મુહૂર્ત છે એટલે લગ્ન સમારંભની ભીડ પર વર-વધૂ પક્ષ સ્વયંભૂ શિસ્ત નહીં જાળવે તો કોરોના વધુ ને વધે ભયજનક બનતો જશે.

(11:46 pm IST)