Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ઘૂમ્રપાનને લીધે વીમા કંપની કેન્સરનો દાવો નકારી ન શકે

સીઈઆરસીએ વિધવાને તેનો હક્ક અપાવ્યો : પેપર્સમાં વીમાદાર ધૂમ્રપાનના બંધાણી હોવાનો ઉલ્લેખ હોઈ વીમાં કંપનીએ મેડિક્લેઈમ ફગાવી દીધો હતો

અમદાવાદ, તા.૧૯ : ધુમ્રપાન કેન્સર થવા માટેના ઘણાં બધાં પરિબળો પૈકીનું એક છે. જોકે તે એક માત્ર કારણ નથી અને વીમા કંપનીઓ વીમાનો દાવો નકારવા માટે તેનો એક બહાના તરીકે ઉપયોગ ના કરી શકે.

તાજેતરમાં એક ગ્રાહક અદાલતે બાબતની નોંધ લઈ ફરિયાદીને દાવાની રકમ ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો

આલોક બેનરજીએ ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેમ લીધો હતો. તેમણે ફેફસાંના એડેનોકારસિનોમાની સારવાર કરાવી હતી જેનો તબીબી ખર્ચ રૂ. ૯૩,૨૯૭ થયો હતો. વીમા કંપનીએ તેમનો દાવો એમ કહી નકારી કાઢ્યો હતો કે તેમના મેડિકલ પેપર્સમાં જણાવાયું છે કે તેઓ ધુમ્રપાનના બંધાણી છે. કમનસીબે બેનરજીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમના પત્નીએ વીમા કંપની પાસેથી મેડિક્લેમની રકમ મેળવવા કન્ઝ્યૂમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઆરસી)નો મદદ માટે સંપર્ક કર્યો હતો.

સીઈઆરસીએ બેનરજીનાં પત્ની વતી જિલ્લા કમિશન, અમદાવાદમાં ફરિયાદ દાખલ કરી હતી. સીઈઆરસીના વકીલોએ કેસની વિવિધ હકીકતો રજૂ કરી હતી અને તેઓ અદાલતને વાતનો વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યાં હતાં કે વીમા કંપનીએ મનસ્વી રીતે બેનરજીનો દાવો નકારી કાઢ્યો હતો.

સીઈઆરસીના વકીલ અભિષેક અવસ્થીએ જણાવ્યું હતું કે બંને પક્ષોને સાંભળ્યા બાદ, બેનરજીને ધુમ્રપાનની ટેવને કારણે કેન્સર થયું હોવાનું મેડિકલ પેપર્સમાં દર્શાવાયું હોવાની દલીલ સાથે પંચ સહમત થયું નહોતું. પંચે એમ પણ જણાવ્યું હતું કે સ્વતંત્ર પુરાવાની ગેરહાજરીમાં ડિસ્ચાર્જ સમરીને પ્રાથમિક અથવા નિર્ણાયક પુરાવો ના માની શકાય અને મામલામાં કોઈ એવો પુરાવો નથી કે જે દર્શાવે કે દર્દીને ધુમ્રપાનને કારણે જ કેન્સર થયું હતું. અદાલતે વીમા કંપનીને બેનરજીનાં પત્નીને રૂ. ૯૩,૨૯૭ વત્તા ૭ ટકા વ્યાજ ઉપરાંત માનસિક કનડગત અને કેસનો ખર્ચ ચૂકવી આપવા આદેશ કર્યો હતો. 

(9:58 pm IST)