Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સુરતના ઉઘના વિસ્તારમાં 21 વર્ષ અગાઉ રૂમ પાર્ટનરની ઘાતકી હત્યા કરી ફરાર થયેલ શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સુરત: શહેરના ઉધના વિસ્તારમાં 21 વર્ષ અગાઉ રૂમ પાર્ટનરની ઘાતકી હત્યા કરી ફરાર થયેલા યુવાનને ક્રાઈમ બ્રાન્ચે ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી ઝડપી લીધો હતો. હત્યા કર્યા બાદ વતન યુ.પી. ભાગી જઈ ત્યાં થોડા દિવસો રોકાઈ બાદમાં સુરત આવી કડોદરામાં સ્થાયી થયેલા યુવાને બાદમાં સંસાર પણ માંડયો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરી ત્યારે પત્ની અને બાળકો તેનો ભૂતકાળ જાણી ચોંકી ઉઠયા હતા.

ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા-પેરોલ ફર્લો સ્ક્વોડે મળેલી બાતમીના આધારે ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી મુનેશ્વર ઉર્ફે મનીષ રામજીયાવન વર્મા ( ઉ.વ.39, રહે.ફ્લેટ નં.જે/205, કલ્પતરુ એપાર્ટમેન્ટ, કડોદરા ચાર રસ્તા, સુરત. મૂળ રહે.રંગોલી ગામ, તા.લાલગંજ, જી.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ ) ને ઝડપી લીધો હતો. મુનેશ્વર વર્ષ 1999 માં સુરતના ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં વોન્ટેડ હતો. મુનેશ્વર તે સમયે ઉધના ખત્રીનગર ઝૂપડપટ્ટીમાં મિત્ર રામનરેશ મજહરાજદીન વર્મા સાથે રહેતો હતો અને ડાઈંગ મિલમાં નોકરી કરતો હતો. જોકે, ઘર ખર્ચ બાબતે ઝઘડો થતા તેણે શાકભાજી સમારવાના ચપ્પુ વડે રામનરેશને ગળાના ભાગે, છાતીના ભાગે અને પેટના ભાગે ઘા ઝીંક્યા હતા. પેટમાં ઘા ઝીંકતા રામનરેશના આંતરડા પણ બહાર આવી ગયા હતા. રામનરેશની હત્યા કરી તે લાશ ઉપર ગોદડી ઓઢાળી ફરાર થઈ ગયો હતો.

(5:13 pm IST)