Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

આવા સંવાદોથી ભાજપી કાર્યકરોની શી વલે થશે : ''અલ્યા, આ કમલમ્ સડેલું છે''

રેકડીમાં કમલમ્ વેચાશે !: જયરાજસિંહનો ટોણો

દેશ બદલવા નીકળેલા ભાજપીઓએ ફળનું નામ બદલીને સંતોષ માણ્યો : કમલમ્ ને કાપતા ભાજપી કાર્યકરોના જીવ ચાલશે ? : જયરાજસિંહ પરમાર

રાજકોટ, તા. ર૦ : દેશ બદલવા નીકળેલા લોકો દેશની બદલાતી ભુગોળની ચિંતા કરવાના બદલે રોડ-રસ્તા-ગલીઓ-શહેર-યોજનાઓ અને હવે ફ્રૂટના નામ બદલીને બદલો લેવાનો સંતોષ માણી રહ્યા છે તેમ જણાવીને જયરાજસિંહ કહ્યું હતું કે,

કમલમ હવે કમલમ રેંકડીએ, લારીઓમાં અને છાબડીએ નંગના ભાવે વેચાશે. કોંગી પ્રવકતા જયરાજસિંહે ટોણો મારતા કહ્યું હતું કે, દેશ બદલવા નીકળેલા લોકો દેશની બદલાતી ભુગોળની ચિંતા કરવાના બદલે નામ બદલીને બદલો લેવાનો સંતોષ માણી રહ્યા છે. શહેરો , ગલીઓ , અને  યોજનાઓના નામ બદલનાર ભાજપના ગુજરાતના મુખ્યમંત્રીએ તો ચાઈનીઝ ફ્રુટનું નામ ડ્રેગનથી બદલી કમલમ કરી નાખ્યુ.

હેલ્મેટ પહેરવું કે નહી પહેરવું જેવા સામાન્ય કાયદાને લાગુ કરવામાં આઘા પાછા થતા વિજયભાઈએ ડ્રેગનને આઘુ કરી ચીનને પાછુ પાડી દીધુ હોય તેવા હરખાઈ રહ્યા છે . પરંતુ નોરતાના વેકેશન, શાળાઓ ખોલવાના , પરિક્ષા લેવાના , ઉતરાયણ ઉજવવાના , રથયાત્રા કાઢવાના, ધમણ ને વેન્ટિલેટર સાબિત કરવાના નિર્ણયમાં વારંવાર બોલીને ફરી જતા અને  યુ ટર્ન મારવા ટેવાયેલા મુખ્યમંત્રીએ ચાઈનીઝ ફ્રૂટ  ડ્રેગનને  કમલમ  માં ખપાવી દેવાના નિર્ણય પર પણ યુ ટર્ન મારવો પડશે કેમ કે ચીનને જવાબ આપવા જતા કમલમ પર જ સવાલ ઉભા થયા છે .

જયરાજસિંહે જણાવ્યું હતું કે, હવે કમલમ રેંકડીએ અને છાબડીએ નંગના ભાવે વેચાશે ત્યારે ચાઈનાનું તો ઠીક જે થવું હશે તે થશે પણ ભાજપના કાર્યકરની શી વલે થશે એ વિચાર્યુ છે ?  જે કમલમમાં બેસી આખાય રાજયની રણનીતિ ઘડાતી હોય તે કમલમ શાકની લારીએ સો-બસો ના ભાવે વેચાશે. કમલમના કંઈ સો રૂપીયા હોતા હોય ? અલ્યા, આ કમલમ તો સડેલુ છે, આપવુ હોય તો સો માં બે કમલમ આપ નહીતર લારીએ પડ્યુ પડ્યુ સડી જશે આવા ડાયલોગ મહિલાઓના મોઢે સાંભળી સાંભળી ભકતોની મનોદશા શું થશે એનો વિચાર વિજયભાઈએ કર્યો હોય તેવુ લાગતુ નથી . કોંગ્રેસના ધારાસભ્યોને લાખો કરોડોમાં ખરીદી જે કમલમના આંગણે પોંખાય છે એ કમલમ ખુદ સો-બસો ના ભાવે પીંખી નાખ્યુ હોય તેવુ નથી લાગતુ?

જયરાજસિંહે કહ્યું હતું કે, ડોકલામ, અરૂણાચલ, લદ્દાખ જેવા વિસ્તારોમાં ચીનના સરહદી અતિક્રમણ પર કેન્દ્રની મોદી સરકારની થઈ રહેલી ટીકાઓ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી કાઠુ કાઢવા જતા આખાય કમલમની કુરબાની દઈ દીધી. ખરેખર તો ચાઈનીઝ ફ્રૂટનું નામ ડ્રેગન જ રાખ્યુ હોત તો તેના ચપ્પાથી બે ફાડીયા કરવાના સામુહીક કાર્યક્રમો આપી ચીનને જડબાતોડ જવાબ આપ્યાનો સંતોષ ભાજપ મેળવી શકયું હોત. મીસકોલીયા સભ્યોને ડ્રેગનને બચકા અને ડૂચા ભરવા ઉશ્કેરી દેશ ભકિતનો પારો ચઢાવી શકાત. વિજયભાઈએ તો ઉલ્ટુ કર્યુ. હવે કમલમને કાપતા, બચકા ભરતા ભકતોનો જીવ કેમ ચાલશે ?

રીવરફ્રન્ટ પર ગુજરાતના લોકોના ટેક્ષના પૈસે જીનપીંગને ઝુલે ઝુલાવનાર મોદીજી સાથે થયેલા દગાનો બદલો લેવા જતા વિજયભાઈએ કમલમનું કાચુ કાપ્યુ . પાકીસ્તાનના ઈંદીરાજીએ બે ટુકડા કર્યા હતા જયારે મોદીજી પાકીસ્તાની કેકના ટુકડે ટુકડા કરી પાછા ફર્યા હતા એનો ઇતિહાસ સાક્ષી છે. કમસેકમ રૂપાણી સાહેબ ચીનના અવેજમા ડ્રેગન ફ્રૂટ ના બે ટુકડા કરી શકતા , પરંતુ તક ગુમાવી દીધી, તેમ કહીને શ્રી પરમારે જણાવ્યું હતું કે, ચીન સતત સરહદે અતિક્રમણ કરી રહ્યુ છે, ગામ અને કોલોનીઓ વસાવી રહ્યુ છે અને ભાજપ નામ ભુસી નામ લખવાની છોકરમત કરી રહ્યુ છે . ચાઈના આપણો મેપ બગાડે અને મોદીજી  ચાઈનીઝ એપ  ઉડાડે અને રૂપાણીજી નામ ઉડાડે.

રાજનીતિમાં ફૂટનીતિ સાંભળી હતી પણ રૂપાણી સાહેબની ફ્રૂટનીતિ નવી આવી. ચીન જો આવી કુટનીતિથી ગભરાવાનું હોય તો ભવિષ્યમાં ચાઈનીઝ નુડલ્સ ને દીનદયાલ સેવ, મન્ચ્યુરીયન ને ગોલવલકર વીથ ગ્રેવી, ફ્રાઈડ ચાઈનીઝ રાઈસ ને શ્યામાપ્રસાદ ભાત જેવા નામ સાંભળવા મળશે અને ભાજપ ચાઈનાનું નામ મીટાવી દઈને જ જંપશે. કચ્છની મીઠી ખારેકથી બદનામ થયેલું ભાજપ મીઠી ખારેકનું નામ બદલાનું પણ વિચારી શકે. નાગપુરી સંતરાનું નામ પણ કમલમ કરી શકયા હોત પરંતુ આજે સંતરુ પણ નારાજ થશે કેમ કે આટલા વર્ષોની વફાદારીનું આ વળતર ?

અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાનું વચન આપી સત્ત્।ામાં આવનાર ભાજપ હવે ફળ અને શાકભાજીના નામ બદલી રાજકીય મનોરંજન પુરૂ પાડી રહી છે. તેમ અંતમાં જયરાજસિંહે પરમારે જણાવ્યું છે.

(3:52 pm IST)