Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

પાકિસ્તાન અને ઇરાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા કચ્છમાં કોલ્ડવેવની આગાહી

ગાંધીનગર તા. ૨૦ : ગુજરાતમાં થોડા દિવસની આંશિક રાહત બાદ ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડીમાં વધારો જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. પાકિસ્તાન અને ઇરાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કચ્છમાં કોલ્ડવેવની આગાહી જાહેર કરવામાં આવી છે.

એક તરફ જયાં ઉત્તર ભારતમાં સતત પડી રહેલી હિમવર્ષાના પગલે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં રાજયમાં હજુ પણ ઠંડીમાં વધારો જોવા મળે તેવી શકયતા છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ રાજયમાં ૨૨ જાન્યુઆરીથી તાપમાન ૧૦ ડિગ્રી આસપાસ પહોંચે તેવી શકયતા છે. પાકિસ્તાન અને ઇરાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કચ્છમાં કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. હાલ થોડા સમયથી જયાં ઠંડીમાં આંશિક રાહત અનુભવામાં આવી રહી છે ત્યારે રાજયમાં ફરી આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળે તેવી સંભાવના છે.

જો કે હાલમાં રાજયમાં ઠંડીથી આંશિક રાહત મળ્યા બાદ ઉત્તર ભારતમાં પડી રહેલ હિમવર્ષના પગલે રાજયમાં ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. લોકોએ ઠંડીથી બચવા તાપણા અને ગરમ કપડાનો સહારો લીધો છે.

(2:55 pm IST)