Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની અરજી ગુજરાત હાઇકોર્ટે નકારી

ગાંધીનગર તા. ૨૦ : ગુજરાત હાઇકોર્ટે ૧૩ વર્ષની દુષ્કર્મ પીડીતા દ્વારા ગર્ભપાત કરવા માટે કરાયેલી અરજી નકારી દીધી છે. સગીરાને ૨૬ સપ્તાહોનો ગર્ભ હોય SSG હોસ્પિટલના ડોકટર્સના રિપોર્ટના આધારે મંજૂરી આપવામાં આવી ન હતી. ૧૩ વર્ષની દૂષ્કર્મ પીડિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ગર્ભપાત કરવા અરજી કરવામાં આવી હતી. જો કે હોસ્પિટલના ડોકટર્સના રિપોર્ટના આધારે હાઇકોર્ટ દ્વારા સગીરાની અરજી નકારી દેવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટે ૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. જયારે બીજી તરફ રાજય સરકારને તેના પરિવારનો ભોજન અને આરોગ્યલક્ષી ખર્ચ માટે ૧ લાખ રુપિયા આપવા નિર્દેશ કર્યો છે. યુવતીના પરિવારે આ અંગે મંજૂરી માંગી હતી.

જસ્ટિસ બી એન કરિયાએ ડોકટરોની ટીમના રિપોર્ટના આધાર પર ગર્ભપાત કરવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો. ડોકટરોની ટીમે પોતાની ટીમના રિપોર્ટમાં કહ્યું હતું કે ગર્ભ ૨૬ સપ્તાહ અને ૪ દિવસનો છે અને જો ગર્ભની સારી રીતે દેખભાળ કરવામાં આવે તો તેના ઠીક રહેવાની શકયતા છે.

કોર્ટે સોમવારે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું કે ગર્ભના ચિકિત્સકીય સમાપન સંશોધન કાયદો, ૨૦૨૦ હેઠળ મહિલાઓને ૨૪ સપ્તાહ સુધીમાં જ ગર્ભપાત કરવાની મંજૂરી આપી શકાય છે.

SSG હોસ્પિટલના ડોકટર્સ દ્વારા જણાવામાં આવ્યું હતું કે ૨૬ સપ્તાહનો ગર્ભ હોવાથી જીવન સંચારની શકયતા છે. જેને લઇને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગેન્સી કાયદાને ધ્યાનમાં લેવામાં આવ્યો. જેને લઇને દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો.

(2:55 pm IST)