Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

હાથમાં ટેટુ હોવાથી 3 કોન્સ્ટેબલને અનફીટ ગણવાનો નિર્ણય ગુજરાત હાઇકોર્ટે ફગાવ્યો

ઉમેદવારોના જમણા હાથમાં ટેટુ હતા તેને લેસરથી દૂર કરાયા , મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ રજૂ કરાયું છતાં અનફિટ જાહેર કરતા ઉમેદવારોએ હાઈકૉર્ટનું શરણું લીધું

અમદાવાદ : સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલની પરીક્ષામાં હાથમાં ટેટુના કારણે ઉમેદવારને અનફીટ જાહેર કરવાના નિર્ણય સામે 3 ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે ત્રણેયની બેઠક રિઝર્વ રાખવા આદેશ કર્યો છે.જેનું પરિણામ બુધવારે જાહેર થવાનું છે. અરજીમાં રજૂઆત કરાઇ હતી કે, કેટલીક જ્ઞાતિઓમાં ટેટુ ફેશન નહીં પરતું વર્ષો જૂની પંરપરા છે.

 દિશાંતકુમાર પ્રજાપતિ સહિતના 3 ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમના વતી એડવોકેટ નમ્રતા શાહે રજૂઆત કરી હતી કે, ઉમેદવારોના જમણા હાથમાં ટેટુ હતા તેને લેસરથી દૂર કરાયા હતા. તેનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ રજૂ કરાયું હતું જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે, હવે ચામડી પર વિપરિત અસર નથી જણાતી. તેમ છતાં ઉમેદવારને અનફીટ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય ગેરવાજબી અને અન્યાયી છે.

ઉમેદવારોએ ફેબ્રુઆરી 2019માં લેખિત પરીક્ષા પાસ કરી ઓગસ્ટમાં ફિઝિકલ ટેસ્ટ આપ્યો હતો. જેમા ઉમેદવારો છાતીનું માપ, ઉંચાઇ અને 5 કિમી દોડમાં પણ પાસ થયા હતા. જાન્યુઆરી 2020માં ઉમેદવારને ઇ-એડમિટ કાર્ડ અપાયું હતું અને ફાઈનલ મેડિકલ તપાસ હતી. પણ ઉમેદવારને જમણા હાથે ટેટુ હોવાથી અનફીટ જાહેર કરાયા હતા. સાથે બીજા બે કારણો પણ જણાવ્યા હતા કે ઉમેદવારોની ઉંચાઇ અને વજન વધુ પડતા છે. બોર્ડના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો હતો.

(11:33 am IST)