Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

નાંદોદ તાલુકાના અસંખ્ય ગામોમાંથી પસાર થતી કેનાલો નવી બની ત્યારથી પાણી નથી મળ્યું...!!

કરજણ ડેમ બન્યો ત્યારે બનેલી આ કેનાલોમાં પાણી જોવાજ નથી મળ્યું : ખેડૂતોની રજૂઆતો નિષ્ફળ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગામો સહિતના અનેક ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ગંભીર સમસ્યા જોવા મળી છે ત્યારે નાંદોદ તાલુકાના અસંખ્ય ગામોમાંથી પસાર થતી કેનાલો બની ત્યારથી પાણી જોવાજ મળ્યું ન હોય ખેડૂતો પોતાના બોર કુવા મારફતે પાણી આપી પોતાના મોંઘા પાકનું રક્ષણ કરવા મજબુર બન્યા છે.વારંવાર રજૂઆતો બાદ પણ તંત્ર માત્ર આશ્વાસનો જ આપી ખેડૂતોને લોલીપોપ આપી રહ્યું છે.

     જાણવા મળ્યા મુજબ નાંદોદ તાલુકાના ભદામ તોરણ, ટેકરી,ધાનપોર,રસેલા,રૂંઢ,નરખાડી,પોઈચા,ગામડી, કોઠારા, જિયોરપાડી સહિતના અનેક ગામડાઓની કેનાલો બની હતી પરંતુ બની ત્યારથી આ કેનાલો શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ છે કેમકે આ કેનાલો બની તેને લગભગ ૨૫ વર્ષ થવા છતાં તેમાં પાણી નથી અને હાલ આ કેનાલો ખંડેર હાલતમાં જર્જરિત જોવા મળે છે.કેનાલમાં ઝાડી ઝાખરા ઊગી નીકળ્યા છે વર્ષોથી પાણી ન અભાવે ખેડૂતો ને સિંચાઈની મોટી તકલીફ હોય વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર નવી કેનાલો બનાવવા આશ્વાસનો જ આપે છે.

  એક તરફ સરકાર ચૂંટણી સમયે ખેડૂતો માટે નવી નવી યોજનાઓ જાહેર કરી વોટબેંક ઉભી કરવા મોટી મોટી વાતો કરે છે પરંતુ ખેડૂતો ને નિયમિત વીજળી કે પાણી આપવામાં સરકાર નિષ્ફળ નિવડી હોય એમ ચૂંટણી બાદ ધરતીપુત્રો તરફ કોઈ જોનાર નથી ત્યારે નાંદોદ તાલુકાના આ ગામોના ગ્રામજનો તેમના ગામની કેનલોમાં નિયમિત પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે.

  કરજણ ડેમ બન્યો ત્યાંરની આ કેનાલો બની છે પરંતુ સુકીભટ છે :દીપકભાઈ વસાવા (સરપંચ,પોઈચા)

  આ બાબતે પોઈચા ગ્રુપ ગ્રામપંચાયના સરપંચ દીપકભાઈ વસાવાના જણાવ્યા મુજબ કરજણ ડેમ બન્યો એ સમયે લગભગ ૨૫ વર્ષ પહેલાં આ તરફ આ કેનાલો બની પરંતુ બની ત્યારથી પાણી નથી મળ્યું, વારંવાર રજૂઆતો પણ કરી છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી કે કેનાલમાં પાણી આવ્યું નથી.

(7:30 pm IST)