Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ગ્‍લોબલ વોર્મિંગથી બચવા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાના એવા કુંવરપરા ગામના ગ્રામજનોએ જંગ છેડયો

નર્મદા : ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હાલમાં વાતાવરણ ખુબ જ વિષમ બની રહ્યું છે. ત્યારે ગ્લોબલવૉર્મિંગથી બચવા હવે ગામડાઓ આગળ આવી રહ્યા છે. વાત છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાનકડા એવા કુંવરપરા ગામની કે જ્યાંના સરપંચ નિરંજન વસાવાએ ગ્રામજનોની મદદથી  આ ગ્લોબલ વોર્મિંગ સામે જંગ છેડ્યો છે. ગત ચોમાસામાં તેઓએ ગામની ગૌચર જમીનમાં 11000 રોપાઓ વાવી ગામને ગરમીથી બચાવવાનો અનેરો પ્રયત્ન હાથ ધર્યો હતો. હવે ગ્રામજનો આ છોડવાઓને સીંચી રહ્યા છે અને તે પણ ચેક ડેમના પાણીથી બેડાઓ લાવી લાવીને.

નર્મદા જિલ્લામાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ કેટલાય વિકાસ કાર્યોને કારણે જિલામાં  ફોરલેન રસ્તા બન્યા છે. જેને કારણે સેંકડો વૃક્ષોનું નિકંદન થયું છે. વૃક્ષોનાં નિકંદનનાં કારણે તમામ સિઝન વિષમ બની ગઇ છે. ત્યારે આ સ્થિતીને નાથવા ના ઉપાય રૂપે ગામની જ ગૌચર જમીનમાં વધુ પ્રમાણમાં વૃક્ષો ઉછેરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરી શકાય તેવા વિચાર સાથે નાનકડા કુંવરપરા ગામના યુવાન સરપંચ નિરંજન વસાવાએ ઝાડ ઉગાડવાની પ્રવૃતી ચાલુ કરી હતી. ગત ચોમાસાની શરૂઆતમાં ગ્રામજનો સાથે મળીને ગામની સિમમાં આવેલ આઠ એકર ગૌચર જમીનમાં સરપંચે ગામલોકો સાથે મળીને 11000 જેટલા રોપાઓનું વાવેતર કર્યું હતું.

આ રોપાઓને બારે માસ પાણી આપી તેનો ઉછેર કરવાનો ગામ લોકો પાસે સંકલ્પ લેવડાવ્યો હતો. ગામના સરપંચ નિરંજન વસાવાએ ગામથી દૂર આવેલી ગૌચર જમીનની જગ્યાએ લગભગ બે કિલોમીટર ઢાળ ઢોળાવો વાળી  જમીન પર ચાલીને આ રોપાઓને પાણી આપવાનું કામ હાલ આ ગ્રામજનો કરી રહ્યાં છે. ગામની બાજુમાં આવેલા ચેક ડેમમાંથી બેડાં ભરી ભરીને ગામનાં તમામ નાગરિકો પાણી પીવડાવી છોડવાઓ ઉછેરી રહ્યા છે. આ ગામ અને ગામનાં નાગરિકો હાલ અન્યો માટે પ્રેરણા સ્તોત  સમાન છે. નાનકડા ગામનાં લોકોનો આ પ્રયાસ ન માત્ર સરાહનીય છે પરંતુ કથિત રીતે એજ્યુકેટેડ હોવાનાં દાવા કરનારા નાગરિકો માટે પ્રેરણાદાયી પણ છે.

(5:44 pm IST)