Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

અમદાવાદમાં હિન્‍દી ફિલ્‍મો જોઇને પૈસાદાર થવાની લ્‍હાયમાં રૂ.6.71 લાખના હીરાની લૂંટ કરનાર ભાવનગર અને કચ્‍છના 2 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ : બાપુનગર પોલીસ સ્ટેશન નજીકથી આંગણિયા કર્મચારી પર ફાયરિંગ કરીને 6.71 લાખનાં હીરાની લૂંટ કરનારા બે આરોપીઓની પોલીસ દ્વારા બાતમીનાં આધારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે પાલડીની નવચેતન સ્કુલ પાસેથી ફાયરિંગ અને લૂંટના બંન્ને આરોપી છત્રપાલ સિંહ સોલંકી (રહે- કચ્છ) અને યશપાલસિંહ રાણાની (રહે-ભાવનગર) ધરપકડ કરી છે. આરોપી છત્રપાલસિંહે હિન્દી અને અંગ્રેજી ફિલ્મો જોઇને લૂંટ કરવાનું વિચાર્યું હતું. ઝડપી પૈસાદાર થવાની લ્હાયમાં આ ફિલ્મોનાં આધારે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેથી બાપુનગરમાં આંગડીયા પેઢીમાં લૂંટ કરવાનું કાવત્રું ઘડી કાઢ્યું હતું.

એક મહિના સુધી બાપુનગર અને તેની આસપાસનાં વિસ્તારોમાં રેકી કરી હતી. ઉત્તરપ્રદેશથી હથિયાર મંગાવ્યા હતા. આરોપીએ છત્રપાલસિંહે અમદાવાદમાં રહેતી તેની બહેનનું એક્ટિવા કામ છે તેમ કહીને માંગ્યુ હતું. એક્ટિવા લઇને તેઓએ લૂંટને પાર પાડી હતી.  આંગડીયા પેઢીમાંથી અગાઉ કરેલી રેકી અનુરાસ કર્મચારી જિગ્નેશ સુતરીયા 16 જાન્યુઆરીને ગુરૂવારે રાત્રે 11.30 વાગ્યે પેઢી બંધ કરીને બહાર નિકળ્યા હતા. ત્યારે સામેના રોડ પરથી બે અજાણ્યા યુવકો તેમની સામે આવ્યા હતા.

એકે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ તેઓ જિગ્નેશભાઇના હાથમાં રહેલા હીરાના પાંચ પેકેટ અને અન્ય પેકેટ મળીને કુલ 6.71 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઇ ગયા હતા. સામે પાર્ક કરેલી એક્ટિવા લઇને નાસી છુટ્યા હતા. લૂંટના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે જો કે ગણત્રીનાં દિવસોમાં જ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અગાઉથી મળેલી બાતમીનાં આધારે આરોપીઓની પણ ધરપકડ કરી લીધી હતી.

(5:42 pm IST)