Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

હવે લીલા શાકભાજીના ભાવ થોડાં ગગડ્યા, ગૃહિણીઓને હાશકારો

ડુંગળી, લસણના ભાવ જો કે હજુ ઉંચા

અમદાવાદ, તા. ર૦ : ડુંગળી અને લસણનો ભાવવધારો હજુ ગૃહિણીઓને રડાવી રહ્યો છે, પરંતુ લીલોતરી શાકભાજીના બે મહિના સુધી આસમાને રહેલા ભાવો પછી શિયાળાની જમાવટ સાથે જ ભાવ ગગડી જતા ગૃહણીઓને હાશકારો થયો છે.

શિયાળુ શાકભાજી વટાણા, તુવેર, વાલોર, મેથી, કોબી, મેથી, પાલક સહિતનાં લીલાં શાકભાજી સરેરાશ ૧પ થી ૪૦ રૂપિયા કિલોના ભાવે હાલ છુટક બજારમાં વેચાઇ રહ્યાં છે જયારે ડુંગળી ૭૦ થી ૮૦ અને લસણ ૧પ૦-રપ૦ રૂપિયે કિલો મળી રહ્યું છે નવા માલની આવક શર્રૃ થઇ જતા એક કે બે સપ્તાહમાં ડુંગળીના ભાવ ગગડવાના પણ શરૂ થઇ જશે. અમદાવાદમાં વિસ્તાર પ્રમાણ શાકભાજીના ભાવમાં ફેરફાર જોવા મળે છે. લસણના ભાવમાં એકંદરે ભાવ ઘટાડો થયો છે. મિડિયમ કવોલિટીની લસણના રૂ. ર૦૦-રપ૦ કિલોના હવે રૂ. ૧પ૦ કિલો થયા છે, પરંતુ બેસ્ટ કવોલિટીના લસણના ભાવ હજુ પણ   રૂ.રપ૦ થી ૩૦૦ બોલાય છે.

કોબી દુધી ફલેવર અને રીંગણ અત્યારે રૂ. ૮ થી ૧૦નું કિલો વેચાઇ રહ્યું છે જયારે ટામેટાં, ગાજરા, વટાણા, વાલોળ, ચોળી ગલકાં વગેરે રૂ. ૩૦ થી ૪૦ના કિલોએ વેચાણ થઇ રહ્યું છે. બજારમાં અત્યારે શાકભાજીની પુષ્કળ આવક થઇ રહી છે. જેના કારણે ભાવ સતત ગગડી રહ્યા છે. દરેક જાતની ભાજી પાલક, મેથી, સુવા વગેરે રૂ. ૧૦ ની ૩ ઝૂડી એટલે કે ૧ કે કિલોથી વધુના ભાવે મળી રહી છે. જયારે રૂ. ૩૦૦ની પ્રતિકિલો વેચાતી કોથમીર ગગડીને રૂ. ૧૦ થી ૧પ ની કિલો વેચાઇ રહી છે.

(4:14 pm IST)