Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

દિલ્હીના પોલીસ કમિશ્નર પદે રાકેશ આસ્થાના?!:પેનલમાં નામ મુકાયું

રાજકોટના પુર્વ અને વર્તમાન પોલીસ કમિશ્નરના નામ પણ ગુપ્તચર વડાની પસંદગીમાં સામેલઃ ઠંડાગાર વાતાવરણમાં ગુજરાત પોલીસ તંત્રમાં દિલ્હીના સીપી તરીકેના નામોની પેનલમાં આ આઇપીએસનું નામ જોઇ ગરમાવો આવી ગયો : ૧૯૮૪ બેચના ગુજરાત કેડરના રાજયના સિનીયર મોસ્ટ એવા આ અફસરવડાપ્રધાનની ગુડસ બુકમાં સ્થાન ધરાવે છેઃ ભુતકાળમાં રાજયના હાલના પોલીસ વડા શિવાનદ ઝાનુ નામ પણ એક તબક્કે ચર્ચાયેલ

રાજકોટ, તા., ર૦: દિલ્હી રાજયમાં જેને ફરજ બજાવવાની હોય છે અને જેઓ સેન્ટ્રલની અંડરમાં રહી તેઓના હુકમ માનવાના હોય છે તેવા દિલ્હી પોલીસ કમિશ્નર અમુલ્યા પટનાયક ચાલુ માસના અંતે નિવૃત થતા હોય આ ખુબ જ મહત્વના સ્થાન પર પસંદગી માટેની ચાલતી કવાયતમાં ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના સિનીયર આઇપીએસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અત્યંત વિશ્વાસુ એવા રાકેશ આસ્થાનાનું નામ પણ પેનલમાં ખુબ જ આગળ હોવાની ચર્ચાએ વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.

દિલ્હીમાં હાલમાં વિધાનસભાની ચુંટણીની જાહેરાત થઇ ચુકી હોય કેન્દ્રીય ચુંટણી પંચની મંજુરીની પ્રક્રિયા માટે પેનલ મોકલવામાં આવી છે. દિલ્હીમાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવનારને નિવૃતી બાદ પણ સારા સ્થાનો મળવાની પરંપરા રહી છે. હાલમાં ચુંટણી હોવાથી વર્તમાન પોલીસ કમિશ્નરને આવો લાભ હાલતુર્ત ન મળે તે સ્વભાવીક છે. દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે આ અગાઉ ગુજરાતના હાલના મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનું નામ પણ ભુતકાળમાં ચર્ચાયુ હતું. જો કે શિવાનંદ ઝા દિલ્હી જવા ઉત્સુક ન હોવાથી કેન્દ્રએ બીજો નિર્ણય કરવો પડયો હતો.

અત્રે યાદ રહે કે ભુતકાળમાં જામનગર  એસપી પદે રહી ચુકેલા રાકેશ આસ્થાના હાલમાં ડાયરેકટર ઓફ એવીએશનની સાથે સાથે નાર્કોટીક બ્યુરોના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. પ્રથમ વખત સીબીઆઇમાં એસપી તરીકે ધનબાદ (બિહાર) મુકાયા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની ધરપકડ થઇ શકે તેવા પુરાવા હોવાનું પત્રકારોો સમક્ષ બેધડક જણાવી અને ધરપકડ કરેલી. ર૦૦રના ગોધરાકાંડ સમયે સાબરમતી ટ્રેનને સળગાવવાનું કાવત્રુ પાકિસ્તાની જાસુસ સંસ્થા આઇએસઆઇ દ્વારા ઘડાયાનું પ્રતિપાદીત ફોરેન્સીક પુરાવા સાથે કર્યુ હતું. સીબીઆઇમાં ચાલતા આંતરીક વિવાદ તથા ચોક્કસ પ્રકારના આરોપીઓ સંદર્ભે તેઓને સીબીઆઇમાંથી મુકત કરવામાં આવ્યા હતા.

દરમિયાન રાજયના એડીશ્નલ ડીજીપી કક્ષાના ગુપ્તચર વડા મનોજ શશીધર સીબીઆઇમાં જતા હોવાથી અત્યંત મહત્વના અને રાજકીય રીતે ખુબ જ અગત્યના આ સ્થાન પર કોની નિમણુંક કરવી તે દ્વિધા હોવાથી હાલતુર્ત કેટલાક નામો વિચારણામાં લઇ તેના ગુણદોષ પર ચર્ચા ચાલે છે. આર્મ્સ  યુનીટના આઇજી પિયુષ પટેલ, સીઆઇડી વડા સંજય શ્રીવાસ્તવ, રક્ષા શકિત યુની.ના વડા વિકાસ સહાય અને હાલની ચોક્કસ પ્રકારની જે રાજકીય સ્થિતિ નિર્માણ થઇ છે તે માટે અન્ય બે નામો પણ મુખ્યમંત્રીના શુભેચ્છકો દ્વારા સુચવાયા છે. જેમાં વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો સમાવેશ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

(12:27 pm IST)