Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

કાશ્મીરી પંડિતોની અમદાવાદમાં વિરોધ રેલી : 30 વર્ષ પહેલા દેશવિરોધી તત્વોએ હાંકી કાઢ્યા હતા : બ્લેક ડે તરીકે ઉજવ્યો

અંદાજે 4 લાખ પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું હતુ.

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાં હજારો કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને આજે 30 વર્ષ પૂર્ણ થયા છે, 19 જાન્યુઆરી 1990ના રોજ કાશ્મીરી પંડિતોને આતંકી તત્વો અને સ્થાનિક દેશવિરોધી તત્વોએ કાશ્મીરમાંથી બહાર કાઢી મુક્યાં હતા, તેમને ધાક-ધમકી આપવામાં આવી હતી, કેટલાક પંડિતોની હત્યાઓ કરાઇ હતી અને તેમના પર અત્યાચાર કરીને તેમની હવેલીઓ, વાડીઓ છીનવી લેવામાં આવી હતી, તેમના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયા હતા.અંદાજે 4 લાખ પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું હતુ.

આજે અમદાવાદમાં રહેતા કાશ્મીરી પંડિતોના પરિવારોએ વસ્ત્રાપુરમાં એક વિરોધ રેલી કાઢી હતી અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો, આજના દિવસને તેઓ બ્લેક ડે તરીકે ઉજવી રહ્યાં છે, 30 વર્ષથી તેઓ 19 જાન્યુઆરીની તારીખે પોતાનું દર્દ યાદ કરે છે.

કાશ્મીરમાંથી પોતાનું બધુ છીનવાયા પછી આજદિન સુધી તેમની આર્થિક હાલત પણ સારી નથી, તેઓ અમદાવાદ અને દિલ્હી જેવા શહેરોમાં ભાડાના ઘરમાં રહે છે, પરંતુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર થયા પછી હવે તેમને લાગી રહ્યું છે કે તેમને પોતાના અધિકારો પાછા મળશે, તેઓ કાશ્મીરમાં પાછા ફરી શકે તે માટે કેન્દ્ર સરકાર પણ યોજના તૈયાર કરી રહી છે.

(10:51 pm IST)