Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પાર્ટીમાં મને નશીબ ખેંચી લાવ્યું :અભિવાદન કાર્યક્રમમાં આનંદીબેન ભાવુક બન્યા ;સંઘથી લઈને સરકાર સુધીના અનુભવો વર્ણવ્યા

શિક્ષણમંત્રી તરીકે શિક્ષકોની ભરતી પારદર્શક બનાવી :મહેસૂલમાં મહત્વના સુધારા કર્યા ;શિક્ષણમંત્રી તરીકે સંજય જોશીના અનુભવના ઉલ્લેખ કર્યો

ગાંધીનગરઃ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ્ખાતે આનંદીબેન પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં સંબોધન કરતી વેળાએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ શુભેચ્છકોનો આભાર માનતાં ભાવુક થયાં હતાં.તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, રાષ્ટ્રપતિ કોવિંદનો આભાર માન્યો હતો મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે નિમાયા બાદ આનંદીબહેન પટેલે સંઘથી શરૂ કરેલી પોતાની રાજકીય કારકિર્દીના અનુભવો વર્ણવ્યા હતા.પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સંબોધનમાં સંજય જોશીને યાદ કર્યા હતા

  આનંદીબેન પટેલે કહ્યું હતું કે આ એવી પાર્ટી છે જે નાનામાં નાના કાર્યકર્તાને શિખરે પહોંચાડે છે 1967માં એક સ્કૂલની ટીચર બની.મારાં પણ સપનાં હતાં. ઇન્ટરસાયન્સ પાસ કર્યા પછી ડોક્ટર બનવું હતું, પણ શક્ય ન બન્યું. બીએસસી થઈ પછી પોલીસમાં જવાનું સપનું હતું. પાસ પણ થઈ પણ ટ્રાન્સફર થાય એટલે ન જવાય.પછી એમ થયું કે પ્રોફેસર થવું,એમએસસી કર્યું.તેમણે કહ્યું કે, પાર્ટીમાં મને નસીબ ખેંચી લાવ્યું હતું. 1998માં મને માંડલ ચૂંટણી લડવા માટે મોકલી હતી.દિલ્હી જતા મારું બ્લડપ્રેસર વધી જતું હતું. જોકે પહેલી વાર જીત્યા બાદ મને શિક્ષણ મંત્રી બનાવાઈ. આ સમારંભમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

   આનંદીબહેને કહ્યું કેશિક્ષણ મંત્રી તરીકે કામ કરતા એક માહોલ બન્યો પહેલો નિર્ણય કર્યો, શિક્ષકોની ભરતી પારદર્શક રીતે મેરિટના આધારે કરવાનો,પણ એને કારણે કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો.અમારા છોકરાં-છોકરીઓને નોકરીઓ નહિ મળે. ઇન્ટરવ્યૂ બંધ કર્યા હતા.કાર્યકર્તાઓ નારાજ હતા.સંજય જોશીએ મીટિંગ બોલાવી,તમામ જિલ્લાના પ્રમુખોને બોલાવ્યા.તેમને જે કહેવું હતું તે કીધું, ત્યારે ચર્ચા પછી માત્ર મેં સંજય જોશીને પૂછ્યું કે આપણે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદીના સૂત્ર સાથે ચૂંટણી લડ્યા છીએ તમે તેને અમલમાં મૂકવા માગતા નથી? અમલમાં ન મૂકવું હોય તો મને બે દિવસમાં કહી દેજો.હું નિર્ણય પાછો ખેંચી લઈશ,પણ ત્યાર પછી કોઈ ફરિયાદ લઈને ન આવતા કે મારી પાસે નોકરી માટે પૈસા માગ્યા.પાંચ દિવસ સુધી તેમનો કોઈ જવાબ ન આવ્યો.

   પ્રથમ વાર શિક્ષણપ્રધાન બન્યાં તે દરમિયાન થયેલા અનુભવ વર્ણવતાં આનંદીબહેને વધુમાં કહ્યું કે, ‘શિક્ષણમંત્રી બન્યા બાદ મારી કડક કામગીરી લોકોને પસંદ નહોતી,કાર્યકરો મારી કામગીરીથી નારાજ રહેતા હતા.આ સાથે તેમણે કહ્યું કે, શિક્ષણમંત્રી બીજી વાર જીતી શકતા નથી તે માન્યતાને તેમણે ખોટી પાડી હતી.આનંદીબહેને કહ્યું કે,‘શિક્ષણમંત્રી તરીકે પાંચ વર્ષ પૂરાં કર્યાં બાદ અમે ફરી વાર પાટણમાં જીત્યાં અને ફરી વાર શિક્ષણ ખાતું આપવામાં આવ્યું અને રેકોર્ડ બ્રેક થયો.

  આનંદીબહેને કહ્યું કે, કોઈ પણ મહિલાને કોઈ ખાતું આપવું હોય તો તેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જ આપવામાં આવે છે. આ સદાય ચાલી આવેલી રીત છે આ પરંપરા બદલીને પહેલી વાર તેમને રેવન્યુ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો તેમણે કહ્યું કેએ વખતે એવી ચર્ચા હતી કે આનંદીબહેન શિક્ષણમાં હોવાથી મહેસૂલમાં તેઓ શું કરશે પણ અમે સુધારા કર્યા.સ્ટડી કરીને સુધારા કર્યા, પ્રવાસ કર્યો, લોકોને સાંભળીને સુધારા કર્યા અને 50-50 વર્ષથી પેન્ડિંગ પડેલા પ્રશ્નોનો ઉકેલ લાવ્યા. કોઈને પણ અન્યાય નથી કર્યો.

  આનંદીબહેને કહ્યું કે, ‘મેં 2012ની ચૂંટણી ઘાટલોડિયાથી લડી.પહેલી વાર જ્યાં હું રહેતી હતી ત્યાં મને ચોથી ટર્મમાં જગ્યા મળી. શહેરના ધારાસભ્યોને ટકોર કરતા કહ્યું કે,‘ઘણી વાર અમે શહેરના ધારાસભ્યો બેઠા હોય તો કહેતા કે ક્યારેક ગામડામાંથી ચૂંટણી લડો તો ખબર પડે શહેરમાં તો સ્કૂટર લઈને નીકળો એટલે પૂરું થઈ જાય. તેમણે શહેરી વિકાસ અને મુખ્યપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં કરેલાં કામો યાદ કરાવ્યાં હતાં.

  તેમણે કહ્યું કે, ‘ભૂતકાળમાં મહિલાઓ માટે કોઈ યોજનાઓ નહોતી. મહિલા બાળ વિકાસ વિભાગ જ નહોતો. મહિલા બાળ વિકાસ વિભાગ તો 2001માં નરેન્દ્રભાઈ આવ્યા ત્યાર પછી બન્યો અને ત્યાર પછી બધી યોજનાઓની શરૂઆત થઈ. તેમના માર્ગદર્શન હેઠળ ઘણી યોજનાઓ બની. કોઈ પણ સરકારીની પ્રાથમિકતા બાળક હોય છે. તેની પર જેટલું ધ્યાન કેન્દ્રિત થશે, તેટલો જ તે આદર્શ નાગરિક બનશે.

આનંદીબહેન તેમના સંબોધનના અંતમાં પણ ભાવુક થયાં હતાં. તેમણે અંતમાં પક્ષના ધારાસભ્યો, કાર્યકર્તાઓને મધ્યપ્રદેશ આવવા આમંત્રણ આપ્યું હતું.

(9:47 pm IST)