Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

બોરસદ તાલુકાની હાઈસ્કૂલમાં શૌચાલયમાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ:તાલુકાના એક ગામની હાઇસ્કૂલમાં લંપટ શિક્ષકે શાળાના શૌચાલયમાં વિદ્યાર્થિની સાથે કરેલા જાતિય અડપલાંની ઘટનાએ વાલીઓને ચિંતાભરી સ્થિતિમાં મૂકી દીધા છે. આ ઘટના અંગે જાણ થતાં અન્ય વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. બીજી તરફ સમાજમાં પ્રતિષ્ઠા ન ખરડાય તે માટે શાળા સંચાલકો અને દીકરી માથે કોઇ આળ ન આવે તે માટે પરિવારજનો સમગ્ર મામલે ઢાંકોઢુંબો કરી દીધાનું સાંભળવા મળે છે.

છેલ્લા કેટલાક સમયથી ચરોતરમાં શાળા-મહાશાળાઓમાં વિદ્યાર્થીઓની મારપીટ, શિક્ષકો દ્વારા દુર્વ્યવહાર સહિતની ઘટનાઓ બની રહી છે. જેમાં કેટલીક જગજાહેર થાય છે તો કેટલાકમાં ભોગ બનનારના વાલીજનોને ધમકાવીને કે અન્ય રીતે ચૂપ કરી દેવાનો હથકંડો અપનાવવામાં આવે છે. પરિણામે લંપટ શિક્ષકોને મોકળું મેદાન મળી રહ્યું છે.
બોરસદ તાલુકાની એક હાઇસ્કૂલની વિદ્યાર્થિનીને શૌચાલયમાં લંપટ શિક્ષક દ્વારા જાતિય છેડછાડ કરવામાં આવી હતી. ખુદ શિક્ષક દ્વારા થતી આ પ્રકારની સતામણીથી વિદ્યાર્થિની હેેબતાઇ ગઇ હતી. શાળા કેમ્પસમાં આ વાત ધીમે ધીમે પ્રસરી હોવાનું ચર્ચાય છે. દરમ્યાન વિદ્યાર્થિની પર સમાજમાંથી કોઇ આળ ન આવે તે માટે તેના પરિવારજનો અને હાઇસ્કૂલનું નામ ન ખરડાય તે માટે શાળા સંચાલકો સમગ્ર મામલે ચૂપકિદી સેવી રહ્યાનું જોવા મળે છે. પરંતુ શિક્ષણધામમાં માનસિક રીતે વિકૃત એવા લંપટ શિક્ષકના કરતૂતોની જાણ થયા બાદ તેની

સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તો જ અન્યો માટે બોધપાઠરૂપ બની રહેશે.

(6:59 pm IST)