Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા કોરોનાની પરિસ્થિતિ થાળે પડે પછી જ : ૩૮૦૦ જગ્યાઓ માટે ૧૦ાા લાખ ઉમેદવારો

નવેમ્બર ર૦૧૯માં ૩૩૦૦ કેન્દ્રો પર પરીક્ષા લેવાયા પછી રદ થયેલઃ હવે સરકારમાં વધુ જગ્યાઓ ખાલી પડી હોવાથી કુલ બેઠકોની સંખ્યા વધારાય તેવી ઉમેદવારોની લાગણી

રાજકોટ તા. ૧૯: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ધો. ૧ર પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી બિન સચિવાલય કલાર્કની ભરતી માટે ગયા નવેમ્બર ર૦૧૯માં પરીક્ષા લેવામાં આવેલ. તે વખતે પેપર ફુટી જવાના મુદ્દે રદ થયેલ પરીક્ષા ફરી કયારે લેવાશે તે નકકી નથી. કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડે પછી જ પરીક્ષા લેવાનું સરકારનું મન છે.

જે તે વખતે ૩૮૦૦ જગ્યાઓ માટે સાડા દસ લાખ જેટલી અરજીઓ આવેલ. ૩૩૦૦ પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલ. તે વખતે પણ આયોજન મુશ્કેલ હતું, અત્યારે સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને પરીક્ષા લેવાનું શકય નથી તેથી સરકાર કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડયા પહેલા  આ પરીક્ષાનું આયોજન કરવા માંગતી ન હોવાનું સરકારના આધારભૂત સૂત્રો જણાવે છે. લાખો ઉમેદવારોએ સરકારી નોકરીની તક માટે હજુ લાંબો સમય રાહ જોવી પડશે.

પરીક્ષા જાહેર થયાથી અત્યાર સુધીમાં લાંબો સમય પસાર થઇ ગયો હોવાથી હવે કુલ બેઠકોની સંખ્યા વધારવી જોઇએ તેવી ઉમેદવારોની લાગણી છે. સરકાર આ દિશામાં હકારાત્મક રીતે વિચારે તેવી આશા છે. ઓબ્જેકટીવ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગુણવતાના ધોરણે કોમ્પ્યુટરની પરીક્ષા માટે બોલાવાશે. બન્ને પરીક્ષાના આધારે નોકરી માટેની પાત્રતા નકકી થશે.

(11:34 am IST)