Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

નિત્યાનંદ આશ્રમ : વિવાદમાં DPSના રોલમાં તપાસ શરૂ

શનિવાર સુધીમાં ખુલાસો કરવા ડીઈઓની સૂચના : ડીઇઓ દ્વારા હાથીજણની ડીપીએસને ફટકારેલી નોટિસ કાગળો રજૂ નહીં કરે તો કેમ્પસમાં આશ્રમ હોવાનું મનાશે

અમદાવાદ, તા.૧૯ : છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચા અને ચકચાર ગજાવનાર નિત્યાનંદ આશ્રમ મામલામાં તપાસનો દોર જોરદારરીતે ચાલી રહ્યો છે ત્યારે હવે ડીપીએસ સ્કુલની શંકાસ્પદ ભૂમિકા સપાટી ઉપર આવતા આ મામલે ડીઇઓ સક્રિય થયું છે અને સ્કુલને નોટિસ ફટકારી છે. સાથે સાથે આ સમગ્ર મામલામાં સ્પષ્ટતા કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. જો સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો સીબીએસઈને ફરિયાદ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાથે સાથે જવાબ નહીં અપાય તો કેમ્પસમાં જ આશ્રમ હોવાનું માની લેવામાં આવશે. ડીઈઓ દ્વારા નોટિસ અપાયા બાદ ડીપીએસ ઉપર પણ જોરદાર દબાણ વધી ગયું છે. સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રમ હિરાપુર ગામની સીમમાં આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં હજુ દસ મહિના પહેલાં જ શરૂ થયો છે. ડીપીએસ સ્કૂલના પ્લે ગ્રાઉન્ડ અને આશ્રમ વચ્ચે કોઇ દીવાલ ઊભી કરાઈ નથી, પ્લે ગ્રાઉન્ડમાંથી સરળ રીતે આશ્રમમાં જઇ શકાય તે માટે ખુલ્લો રસ્તો છે.

                    આમ આ સમગ્ર વિવાદમાં ડીપીએસની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે ડીઇઓએ સમગ્ર મામલે આકરું વલણ અપનાવ્યું છે અને હાથીજણની ડીપીએસને નોટિસ ફટકારી છે. ડીઇઓએ શનિવાર સુધીમાં જો ડીપીએસ સત્તાધીશો દ્વારા ખુલાસો નહી કરાય તો, સીબીએસઇને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી આર.આર.વ્યાસે જણાવ્યું કે, શાળાએ જે જગ્યા આપી છે તે લીઝથી આપી છે, એટલે અમે લીઝ એગ્રીમેન્ટ માગ્યુ છે તેમજ માન્ય પ્લાન માગ્યો છે, એટલે તે શાળાનો ભાગ છે કે શાળાની બાજુમાં છે તે જોવા માટે, જો બાજુમાં હશે તો તેમણે એક દિવાલ બનાવવી પડે. જો શાળાનો ભાગ હોય તો આ રીતે આપી શકાય નહીં, તે બાબત સીબીએસઈના ધ્યાને મુકીશું.પરંતુ હજુ સુધી તેમના દ્વારા કોઈપણ કાગળો રજૂ કરવામાં આવ્યા નથી. તેઓએ આ બાબતે સમય માગ્યો છે. જો શનિવાર સુધી સ્કૂલ દ્વારા કોઈપણ કાગળો રજૂ નહીં કરવામાં આવે તો ડીઇઓ દ્વારા આ સ્કૂલ કેમ્પસમાં જ આશ્રમ ચાલતો હોવાનું માનીને સીબીએસઇને રિપોર્ટ કરી દેવામાં આવશે. મેં પોતે સ્થળ તપાસ કરી લીધી છે.

                    માત્ર એટલું જ નહીં ડીપીએસના મુખ્ય સંચાલક મંજુલા પૂજા શ્રોફ પણ નિત્યાનંદના ભક્ત હોવાનો આક્ષેપ ગુમ થયેલી યુવતીના પિતાએ પણ કર્યો હતો. આ ઉપરાંત તા.૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ ડીપીએસની બોપલ શાખામાં સ્વયં કી ખોજ નામનો નિત્યાનંદ આશ્રમનો એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આશ્રમની મોટાભાગની બાળાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ અંગે ડીપીએસના ઓએસડી ઉન્મેશ દીક્ષિતે ખુલાસો કર્યો છે કે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમારી પાસે કેટલાક ખુલાસા માગવામાં આવ્યા હતા. જેના અમે જવાબ આપી દીધા છે, હજુ પણ ડીઈઓ દ્વારા જે કોઈ માહિતી માગવામાં આવશે, તે અમારા તરફથી આપવામાં આવશે. એપ્રિલ મહિનામાં ડીપીએસ બોપલમાં યોજાયેલા નિત્યાનંદ આશ્રમના કાર્યક્રમ અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. ડીપીએસ-હિરાપુર કેમ્પસની બાજુમાં આવેલા નિત્યાંનદ આશ્રમની જમીન મુદ્દે વિવાદ વધ્યો છે. નિત્યાંનદ આશ્રમની જગ્યા કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ પર આપેલી છે. પરંતુ એ જ જમીન પર ચાલી રહેલી ડીપીએસ સ્કૂલે એફઆરસીમાં રજૂ કરેલા દસ્તાવેજોને આધારે એફઆરસીએ કરેલા ફાઇનલ ઓર્ડરમાં ક્યાંય આશ્રમની જગ્યાનો ઉલ્લેખ કર્યો નથી. ડીઇઓના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ડીઇઓની ટીમે ૭-૩૦ કલાક સ્કૂલમાં તપાસ કરી હતી પરંતુ સ્કૂલ તરફથી યોગ્ય સહકાર અપાયો ન હતો.

                          વિવાદનો મુખ્ય દસ્તાવેજ લીઝ એગ્રીમેન્ટ અધિકારીઓને આપ્યું ન હતું. અધિકારીઓએ આશ્રમના ૨૪ બાળકોના એડમિશન ફોર્મ, પહેલા જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તેનું પ્રમાણપત્ર, પરીક્ષાની માર્કશીટ ચકાસ્યા હતા. ડીપીએસ ઈસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પૂરીએ કહ્યું, અમે શિક્ષણ વિભાગને સહકાર આપી જે પણ માહિતી માંગવામાં આવી રહી છે તે પૂરી પાડવા પ્રતિબદ્ધ છીએ. સ્થાનિકો મુજબ, આશ્રમથી ૭ કિલો મીટર દૂર આવેલા પુષ્પક સિટીમાં આવેલા બી-૯૫, બી-૧૦૦ અને બી-૧૦૭ નંબરના મકાનોમાં મોડી રાત્રે ક્યારેક ૧૧-૦૦ વાગ્યે, ૧ વાગ્યે કે ૩ વાગ્યે ગાડીઓમાં સાધ્વીઓ, આશ્રમના લોકો અને કેટલાક બાળકો આવતા હતા. એક મકાનમાં ડીપીએસની બસ બાળકોને લેવા અને મુકવા આવતી હોવાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.

(8:41 pm IST)
  • રાજસ્થાનની સ્થાનીક ચૂંટણીઓમાં કોંગ્રેસ આગળ : : રાજસ્થાનમાં શનિવારે યોજાયેલી સ્થાનીક ચૂંટણીઓની મત ગણતરી આજ મંગળવારે ચાલુઃ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોંગ્રેસ ૪૯૫ અને ભાજપ ૩૯૨ વોર્ડમાં વિજેતા access_time 4:08 pm IST

  • ભાવનગરના આઇટી દરોડામાં સરકારી : અધિકારીઓને ચુકવાયેલા નાણાની વિગતો વાળી ડાયરી મળી આવ્યાની ખળભળાટ મચાવતી હકીકતો વાઇરલ થઇ... ભાવનગરમાં પ્રિયા બલૂ, સંજય મહેતા, હુગલી શિપિંગ , શ્રીજી શિપિંગ, નગરશેઠ શિપબ્રેકર્સ, નજીર કળીવાળા, દિલાવર કળીવાળા, કમલેશ શાહ, દિવ્યાંગ શાહ મુનો, કસ્તુરી કોમોડિટી મુનાશેઠ, જયંતિ સહિત શિપબ્રેકરો અને આંગડિયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા પડયાનું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. દરોડા દરમિયાન એક શિપબ્રેકરની ઓફિસ ડાયરીમાં સરકારી અધિકારીઓને ચૂકવવામાં આવતી લાંચની રકમની યાદી મળી આવતા મોટો ખળભળાટ કહેવાતા કોઈ આંગડિયા ને ત્યાંથી વિદેશમાં હવાલાથી નાણાં મોકલ્યાના મોટા વ્યવહારો પકડાયાની ભારે ચર્ચા access_time 6:07 pm IST

  • સ્વરસામગ્રી લતા મંગેશકરની તબિયત સ્થિર છે ,તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 10:00 pm IST