Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ઓરીજીનલ કોકેઇનની આંતરરાષ્ટ્રીય કિંમત ૧ કિલોના ૬ કરોડ છેઃ અજયકુમાર તોમર

અમેરીકા, કેનેડા જેવા ધનાઢય દેશોમાં ઉત્પાદનઃ કોલંબીયાના કોકેઇન માફીયા પોતાના ખાનગી ગેરકાયદે એરપોર્ટ અને પોતાનું લશ્કર પણ ધરાવે છેઃ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સ્પે.પોલીસ કમિશ્નરનું અકિલા સમક્ષ રસપ્રદ બ્યાન

રાજકોટ, તા., ૧૯: ઓરીજીનલ કોકેઇનની આંતરરાષ્ટ્રીય કિંમત ૧ કિલોના  ૬ કરોડ રૂપીયા જેવી થાય છે. આ વાત ઘડીકમાં ભલે ગળે ન ઉતરે પણ બિલકુલ સત્ય છે. કોકેઇનનો મહદ અંશે ઉપયોગ અમેરીકા, કેનેડા અને યુરોપના ખુબ જ ધનાઢય દેશોમાં જ થાય છે તેમ કોેકેઇન વિષેની આજ સુધી ભાગ્યે જ વાંચી હોય કે સાંભળી હોય તેવી રસપ્રદ વાતો અકિલા સમક્ષ એડીશ્નલ ડીજીપી કક્ષાના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અને તાજેતરમાં જ જેમના માર્ગદર્શન હેઠળ  ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમદાવાદમાં ઘુસેલ કોકેઇનને ઝડપી લેવામાં જેમને સફળતા મળી છે તેવા અજયકુમાર તોમરે જણાવ્યું હતું.

ભૂતકાળમાં બીએસએફના ગુજરાતના  વડા રહી ચુકેલા અને કેફી દ્રવ્યો અંગેની સેન્ટ્રલ એજન્સીઓ સાથેના સંકલનને કારણે ખુબ જ અભ્યાસ ધરાવતા આ સીનીયર આઇપીએસે વિશેષમાં એવું જણાવેલ કે કોકેઇન માફીયાઓ પાસે કોલંબીયામાં પોતાની માલીકીના ગેરકાયદે એરપોર્ટો છે. એટલું જ નહી કોકેઇન માફીયાઓ કોલંબીયામાં સરકાર સામે સમાંતર સરકાર ચલાવતા હોય તેમ પોતાનું લશ્કર (આર્મી) પણ છે.

કોકેઇન જેવા ખુબ જ કિંમતી કેફી પદાર્થનું ઉત્પાદન લેટીન અમેરીકામાં અને ખાસ કરીને સૌથી વધુ કોલંબીયાના ચીલીમાં થાય છે. અમેરીકા, કેનેડા અને યુરોપના ખુબ જ ધનાઢય દેશો આવું કોકેઇન વેસ્ટ ઇન્ડીઝ વિગેરે ધનાઢય દેશોમાં સપ્લાય કરે છે. તેઓએ સૂત્રોના હવાલાથી એવું પણ જણાવેલ કે આ કોકેઇન ઓરીજીનલ નહિ પણ એકનું પાંચ ગણું કરી વેચવામાં આવે છે.

કોકેઇનનો ઉપયોગ કરોડોમાં આળોટતા  અને અવળે રસ્તે ચઢેલા લોકો ઉપયોગ કરે છે. અજયકુમાર તોમરના જણાવ્યા મુજબ આવા કરોડોમાં આળોટતા પૈકીના જેઓ અવળે માર્ગે વળ્યા છે તેઓ આ ડ્રગ્સ થોડી કલાકો માટે માનસિક અને શારીરીક રીતે બિલકુલ રિલેકસ થવા માટેની માન્યતાને કારણે લેતા હોય છે. થોડો સમય તો આનંદ આનંદ લાગે પણ તેની આડઅસર અને તેનાથી ઉત્પન્ન થતા દર્દો જીવલેણ હોય છે.

અજયકુમાર તોમરે ગૌરવ સાથે એક વાતનો ખાસ ઉલ્લેખ કર્યો કે ગુજરાત અને ભારતમાં કોેકેઇન ઘુસાડવાના તમામ પ્રયત્નો  ઇશ્વરીય કૃપાથી નિષ્ફળ જ નિવડયા છે. સમૃધ્ધ શહેરોમાં કોકેઇન માફીયાઓની વિશ્વભરમાં નજર મંડાયેલી હોય છે. થોડીક ચુક થયે કોકેઇન ઘુસાડવા પ્રયત્ન કરે છે.

કોકેઇનનું ઉત્પાદન કઇ રીતે થાય છે? જાણવા જેવી રસપ્રદ કથા

રાજકોટઃ ઓરીજીનલ કોકેઇન કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત અધધ છે તેવા આ કોકેઇનનું ઉત્પાદન અમેરીકા-કેનેડા અને યુરોપના ધનાઢય દેશોમાં જ થાય છે. કોકોના  પાનમાંથી ખુબ જ ચકાસણી કરી તેને પસંદ કરવામાં આવે છે. આ પાનને ઉકાળવામાં આવે છે. ઉકળી ગયા બાદ તેમાં પેટ્રોલ જેવો પદાર્થ ભેળવવામાં આવે છે. ખુબ જ રાસાયણીક ક્રિયા બાદ ચોક્કસ વસ્તુના ઉમેરા સાથે તૈયાર થાય છે.

એમડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત ૧ કિલોના ૧ કરોડઃ ક્રાઇમ બ્રાંચ વડા

રાજકોટઃ એમડી કે એમડીએ નામે ઓળખાતા ડ્રગ્સની ઓરીજીનલ આંતરરાષ્ટ્રીય કિંમત ૧ કિલોના એક કરોડ જેટલી છે ભેજાબાજો આવા ૧ કિલોમાંથી અનેક કિલો બનાવી બંધાણીઓને ધાબડે છે. કોકેઇન મારફત થોડા કલાકો માટે મોજે દરીયા લાગે પરંતુ જાન લેવા બિમારીઓ પ્રવેશે છે તેની પરવાહ ભાગ્યે જ થાય છે તેેમ અમદાવાદ ક્રાઇમ બાન્ચના વડા અજયકુમાર તોમરે જણાવ્યું હતું.

કરોડોમાં આળોટતા  અને અવળી લાઇને ચઢેલા મહાનુભાવો જ કોકેઇનો ઉપયોગ કરે છે

રાજકોટઃ ખુબ જ મોટી અને સામાન્ય  અને મધ્યમ વર્ગ તો જેની કલ્પના પણ ન કરી શકે અને લાખોપતી માટે પણ દુષ્કર એવા કોકેઇનનો ઉપયોગ કરોડોમાં આળોટતા અને અવળી લાઇને ચઢેલા મહાનુભાવો જ કરતા હોવાનું તારણ છે. કેટલાક ફિલ્મી સ્ટારો સામે પણ કોકેઇન ઉપયોગમાં લેવાઇ રહયાની વ્યાપક માન્યતા છે.

(1:19 pm IST)