Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ગુજરાતમાં વાહનો બેફામઃ રસ્તે ચાલતા દરરોજ ૩ લોકો ગુમાવે છે જીવ

ટ્રાન્સપોર્ટ મંત્રાલયનો રીપોર્ટઃ ૨૦૧૭ની સરખામણીએ રાહદારીઓના મૃત્યુમાં ૧૯ ટકાનો વધારો નોંધાયો

અમદાવાદ,તા.૧૯: રાજયમાં મોટા શહેરો હોય કે નાના ગામ રસ્તા પર ચાલતા રાહદારીઓ માટે સેફ નથી. કેન્દ્રિય ટ્રાન્સપોર્ટ મંત્રાલય અંતર્ગત આવતા ટ્રાન્સપોર્ટ રીસર્ચ વિંગ દ્વારા રોડ એકિસડેન્ટ ઈન ઇન્ડિયા ૨૦૧૮ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જે મુજબ ગુજરાતમાં પ્રતિ દિવસ રોડ એકિસડેન્ટથી ૩ રાહદારીઓ પોતાનો જીવ ગુમાવે છે.

૭,૧૭૬ અકસ્માતોમાં ૭,૯૯૬ જાનહાનિ નોંધાઈ છે. જે પૈકી ૧,૧૭૦ પીડિતો રાહદારીઓ હતા જયારે ૧૩૦ પીડિતો બાઇસિકલ સવાર હતા. અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૧૮માં  ગુજરાતમાં રાહદારીઓનાં મોત પાંચ વર્ષમાં સૌથી વધુ છે. તદુપરાંત, ૨૦૧૭ની તુલનાએ રાહદારીઓના મૃત્યુમાં લગભગ ૧૯% વધારો થયો છે. જો કે, અહેવાલ મુજબ, સાઇકલ સવારોના મૃત્યુ વર્ષ ૨૦૧૭ની ૧૭૦ થી દ્યટીને વર્ષ ૨૦૧૮માં  ૧૩૦ થઈ ગયા છે.

અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના સેક્રેટરી બિરેન પટેલે કહ્યું કે, શ્નરાજયમાં રસ્તે ચાલતા રાહદારીઓ સામે ગંભીર જોખમ રહે છે તેમાં પણ અમદાવાદમાં ખાસ.' પટેલે વધારામાં કહ્યું કે, 'ફૂટપાથ પર લારી ગલ્લાવાળા અને વાહન પાર્કિંગ બાદ રાહદારીઓ માટે ભાગ્યે જ ચાલવાની જગ્યા બચે છે. તેમાં પણ ચાર રસ્તાઓ પર સ્થિતિ વધુ ખરાબ હોય છે. સરકાર અને સ્થાનિક તંત્રે રાહદારીઓની સ્થિતિ માટે કોઈ નક્કર પગલા ભરવાની જરુરિયાત છે.'

ટ્રાન્સપોર્ટ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, વૈશ્વિક સ્તરે રસ્તે ચાલતા રાહદારીને સૌથી કિંમત રોડ યુઝર ગણવામાં આવે છે. તેમની સુરક્ષાને સૌથી વધુ પ્રાયોરિટી આપવામાં આવે છે. આપણે પણ તે મોડેલ ફોલો કરવાની જરુર છે. જેમ જેમ શહેરોનો વિકાસ થાય છે તેમ તેમ રાહદારીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ભલે કાયદામાં રાહદારીઓ માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે પરંતુ કયારેય તેનો વાસ્તવિકતા સાથે અમલ કરવામાં નથી આવ્યો.

(1:18 pm IST)