Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

અમદાવાદના વસ્ત્રાપુરમાં દારૂ પીને દંગલ કરનાર મહિલાને ભાનમાં લાવવા પોલીસ બોલાવવી પડી

અમદાવાદ :અમદાવાદમાં ધમધમતા પીજીમાં નવા નવા વિવાતો સતત આવતા રહે છે. ત્યારે વસ્ત્રાપુરના પીજીમાં રહેતી અને નોકરી કરતી મહિલાએ અડધી રાતે દારૂ પીને છાટકા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાએ પીજીમાં એટલો આતંક મચાવ્યો કે, પોલીસ બોલાવવી પડી હતી. હાલ તેની સામે પોલીસ ગુનો દાખલ કર્યો છે.

એસજી હાઈવે પર આવેલી ટીજીબી હોટલની સામેના નેબ્યુલા ટાવરમાં ગર્લ્સ પીજી ચાલે છે. આ પીજીમાં અનેક યુવતીઓ રહે છે. અહીં મૂળ નાગપુરની રહેવાસી કંચન વાસવાની (ઉંમર 42 વર્ષ) પણ રહે છે. કંચન અમદાવાદના એક કોલ સેન્ટરમાં નોકરી કરે છે. આ મહિલાએ રવિવારે ભારે હંગામો કર્યો હતો. આ યુવતીએ રવિવારે રાત્રે ચિક્કાર દારૂ પીને નશામાં ધૂત થઈને તોફાન કર્યું હતું. જેને પગલે અન્ય યુવતીઓએ પીજીના સંચાલકને ફોન કરીને જાણ કરી હતી. જેથી પીજીના સંચાલક તાત્કાલિક દોડતા થયા હતા.

તેમણે આવીને તપાસ કરી હતી, આ મહિલાએ આખી સોસાયટીને ગજવી મૂકી હતી. જેના બાદ તેઓએ પોલીસ બોલાવી હતી. પોલીસે કંચનના સામાનની તપાસ કરી તો તેની પાસેથી ઈંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી. તેમજ પોલીસે તેને દારૂની પરમિટ વિશે પણ પૂછ્યુ હતું. જેમાં તેની પાસે કોઈ પરમિટ ન હોવાનું તેણે જણાવ્યું હતું. દારૂ પીને પીજીમાં છાટકા કરવા મામલે પોલીસે કંચન વાસવાની સામે બે ગુના દાખલ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

(5:44 pm IST)