Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપને વધારાશે

ખેડૂતો માટે નવા પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું : ખેડૂતોનો સંપર્ક કરીને ટપક સિંચાઈ પદ્ધતિમાં મદદ કરાશે

અમદાવાદ,તા.૧૮ :  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યીમંત્રી નીતિન પટેલના હસ્તે જીજીઆરસી  દ્વારા ખેડૂતો માટે તૈયાર કરાયેલ http://khedut.ggrc.co.in પોર્ટલનું લોન્ચીંગ કરાયુ હતું. નાયબ મુખ્યમંત્રી પટેલે પોર્ટલનું લોન્ચીંગ કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ખેડૂતોને પર ડ્રોપ મોર ક્રોપ માટે ડ્રીપ ઇરીગેશન-સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી ખેડૂતો કરી શકે તે માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જીજીઆરસી દ્વારા રાજ્યના ૧૧ લાખથી વધુ ખેડૂતોને ૧૮.૫૦ લાખ જેટલા હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ વસાવીને આ યોજનાનો લાભ પુરો પડાયો છે. ખેડૂતોને ખૂબ જ ઓછી કિંમતે ટપક સિંચાઇની સિસ્ટમ લગાડવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કુલ ૬૦૯૦ કરોડની માતબર રકમની સબસીડી પણ પુરી પાડી છે.

           પટેલે ઉમેર્યુ કે, સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કાર્યરત થયેલ આ પોર્ટલમાં અથવા મોબાઇલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ ઉપર પોતાની વિગતો, નામ, જિલ્લો, તાલુકો, ગામ ભરી પૂર્વ નોંધણી જાતે જ કરી શકશે. નોંધણી થયા બાદ જીજીઆરસી દ્વારા સામેથી ખેડૂતોનો સંપર્ક કરી સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ લગાડવા માટેની કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે જીજીઆરસીના મેનેજીંગ ડીરેક્ટર શાહમીના હુસૈન, જોઇન્ટ સી.ઇ.ઓ. રેણુ ભટ્ટ, એગ્રો ડેવલપમેન્ટના ચીફ પીપી દોંગા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(9:11 pm IST)