Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

સરસ્વતી સંગીત કલાસ દ્વારા દાખલો બેસાડાયો

બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો

અમદાવાદ, તા.૧૮ :  શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં અર્જુન ટાવર ખાતે આવેલા સરસ્વતી સંગીત કલાસ દ્વારા તેની સામાજિક પ્રવૃત્તિ અને જવાબદારીના ભાગરૂપે ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયું હતું. જેમાં સરસ્વતી સંગીત કલાસ દ્વારા શિયાળાની ઠંડીને લઇ શહેરના વિવિધ વિસ્તારમાં રસ્તા કે ફુટપાથ પર સૂઇ રહેલા જરૂરિયાતમંદ લોકોને એક હજાર ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો, સાથે સાથે ફ્રુટ અને જૂના વસ્ત્રોનું પણ વિતરણ કરી સામાજિક પ્રેરણા પૂરી પાડી હતી. આ વર્ષે સરસ્વતી સંગીત કલાસ દ્વારા ૧૪માં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી સંગીત કલાસના સંસ્થાપક શ્રી વિક્રમ પટેલે જણાવ્યું હતું કે ૧૪માં રક્તદાન કેમ્પમાં રેડક્રોસના સહયોગથી થેલેસેમીયા તેમજ બ્લડ કેન્સરથી પીડાતા બાળકો માટે સંસ્થામાં તાલીમ લેતા ૧૦થી વધુ વિદ્યાર્થીઓ તેમજ તેમનાં વાલીઓના સહયોગથી આશરે ૪૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

            આ રકતદાન કેમ્પમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં રક્તદાન સંદર્ભે નામના ધરાવતા સૂર્યકાંત નાયકે હાજરી આપી યુવા રક્તદાતાઓનો જુસ્સો વધાર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરસ્વતી સંગીત કલાસ અને ઝેડ પ્લસ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા શહેરમાં આવેલા એસ.પી.રીગ રોડ આંબલી બોપલ એસ.જી. હાઈવે થલતેજ, અંધજનમંડળ વસ્ત્રાપુર જનતાક્રોસીંગ ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં આવેલા ફૂટપાથ ઉપર પોતાનું જીવનનિર્વાહ કરતાં પરિવારોને એક હજાર ગરમ ધાબળાઓ તેમજ જુના વસ્ત્રોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સરસ્વતી સંગીત કલાસ દ્વારા આયોજીત સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ખુશ્બુ સોમૈયા અમિત પટેલ શનિ શાહ, પ્રિયાંશ રાજપૂત, સ્મિત દવે, હેલી શુકલ અને જ્હાનવી રામાવતે ભારતીય શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને લોકગીતોની વિવિધ રજૂઆત કરીને કાર્યક્રમમાં હાજર ૧૨૦૦થી પણ વધુ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. ઉલ્લેખનીય છે કે, સરસ્વતી સંગીત કલાસ વર્ષોથી તેની સામાજિક અને સમાજપયોગી પ્રવૃત્તિઓને લઇ આગળ પડતી ભૂમિકા ભજવતુ આવ્યું છે.

(9:08 pm IST)