Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

લાખોની ઉઘરાણીમાં વેવાઇ પક્ષના સંબંધીની ઘાતકી હત્યા

બે સગાભાઇઓએ ભેગા મળી મોતને ઘાટ ઉતાર્યા : પોલીસે બંને આરોપી ભાઇઓની ધરપકડની તજવીજ હાથ ધરી : બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર

અમદાવાદ, તા.૧૯ : શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા છે. શહેરના રાણીપ વિસ્તારમાં ગઇકાલે ૧૧ લાખ રૂપિયાની ઉઘરાણીના મામલે નાણાં ધીરધારનો ધંધો કરનાર વ્યકિતની બે ભાઇઓએ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. નોંધનીય વાત એ હતી કે, મરનાર વ્યકિત હત્યા કરનાર બન્ને ભાઇઓના વેવાઇ પક્ષમાં સંબંધી થતા હતા અને ઉલ્ટાનું તેમણે આરોપી ભાઇઓને ઉછીના રૂપિયા આપ્યા હતા અને તેની ઉઘરાણી કરતાં હતા, તેથી કંટાળી બંને ભાઇઓએ સંબંધીને પતાવી દીધા હતા. રાણીપ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી બંને આરોપી ભાઇઓની ધરપકડની તજવીજ હાથ ધરી હતી. સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલ હર ભોલે સોસાયટીમાં રહેતા અને નાણાં ધીરધારનો ધંધો કરતા હિતેશભાઇ શાંતિલાલ શાહે રાણીપ પોલીસ સ્ટેશનમાં બે ભાઇઓ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. હિતેશભાઇના ૫૦ વર્ષીય ભાઇ પંકજભાઇ શાહપુરમાં આવેલ સાંકડી શેરીમાં રહે છે અને નાણાં ધીરધારનો તેમજ શેરબજારનો ધંધો કરે છે. પંકજભાઇ તેમની રપ વર્ષની પુત્રી સાથે રહે છે. ર૦ વર્ષ પહેલાંથી તેમની પત્ની તેમને છોડીને જતી રહી ત્યારથી પંકજભાઇ પુત્રી સાથે એકલા રહે છે. પંકજભાઇના પિતરાઇ મુકેશના મિત્ર રાજુભાઇ હીરાચંદ જૈન, તેના ભાઇ રમેશભાઇ જૈન અને પોપટભાઇ જૈનની ભાણીએ દસ વર્ષ પહેલાં લવમેરેજ કર્યાં હતાં. પંકજભાઇના કુટુંબમાં લવમેરેજ કર્યાં હોવાથી રાજુભાઇ અને પોપટભાઇ વેવાઇ પક્ષે થતા હતા. રાજુભાઇને જ્યારે પણ રૂપિયાની જરૂર પડતી હતી ત્યારે તે પંકજભાઇ પાસેથી રૂપિયા લઇ જતા હતા. થોડાક દિવસ પહેલાં પંકજભાઇએ હિતેશભાઇને જણાવ્યું હતું કે રાજુભાઇ તેમની પાસેથી ૧૧ લાખ રૂપિયા લઇ ગયા છે. અવારનવાર રૂપિયાની માગણી કરી હોવા છતાંય તે આપતા નથી. હિતેશભાઇએ પણ રાજુભાઇને રૂપિયા આપી દેવાનું કહ્યું હતું, પરંતુ તેમણે થોડાક સમયમાં રૂપિયા આપી દઇશું તેમ જણાવ્યું હતું. ગઇકાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ પંકજભાઇ તેમની માતા અને ભાઈ હિતેશને મળવા સુભાષબ્રિજ ખાતે આવેલ તેમના ઘરે આવ્યા હતા. માતાને મળીને તે પરત ઘરે જવા માટે નીકળ્યા ત્યારે કનુભાઇ નામનો યુવક હીતેશભાઇ પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે કેશવનગરની સતલજ સોસાયટી પાસે પંકજભાઇનો ઝઘડો થયો છે. હીતેશભાઇ તરત જ સતલજ સોસાયટી પાસે પહોંચી ગયા, જ્યાં પંકજભાઇ બેભાનાવસ્થામાં રોડ પર પડ્યા હતા. આ સમયે પંકજભાઇના મિત્ર ધીરેનભાઇ ઠક્કર ત્યાં ઊભા હતા. તેમણે હિતેશભાઇને કહ્યું હતું કે રાજુભાઇ જૈન (રહે. હર ભોલે સોસાયટી, સુભાષબ્રિજ) પંકજભાઇ પાસે તેમને રૂપિયા આપવા લઇ ગયા હતા. પંકજભાઇ અને ધીરેનભાઇ ચા પીતા હતા ત્યારે રાજુભાઇ આવ્યા હતા અને ચાલો, તમને તમારા રૂપિયા આપી દઉં તેમ કહીને સતલજ સોસાયટી પાસે લઇ ગયા હતા. સતલજ સોસાયટી પાસે રાજુભાઇનો ભાઇ પોપટભાઇ ત્યાં ઊભો હતો. ધીરેનભાઇએ હિતેશભાઇને જણાવ્યું હતું કે પોપટભાઇએ પંકજભાઇને કહ્યું હતું કે તું કેમ અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરે છે. પોપટભાઇએ સીધા પંકજભાઇની ફેંટ પકડી લીધી હતી અને મારામારી શરૂ કરી દીધી હતી. પોપટભાઇ અને રાજુભાઇ પંકજભાઇને ઢોર માર મારતા હતા ત્યારે ધીરેનભાઇ ત્યાં દોડી ગયા હતા. દરમિયાનમાં બન્ને ભાઇઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા જ્યારે પંકજભાઇ રોડ પર પડી ગયા હતા. હીતેશભાઇ પંકજભાઇને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતુ. ઘટનાની જાણ રાણીપ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે રાજુભાઇ અને પોપટભાઇ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ત્યારે પંકજભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી  હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:40 pm IST)