Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સેવાલિયા ડાકોર-રોડ નજીક ટેમ્પાની હડફેટે પદયાત્રીનું કમકમાટી ભર્યું મોત

ખેડા:જિલ્લામાં સેવાલિયા- ડાકોર રોડ પર અંબાવ ફાટક તેમજ ઊકરડીના મુવાડા નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રથ લઈને જતા એક યાત્રીકનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું જ્યારે બેને ઈજા થઈ હતી. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેસાણા જિલ્લાના ગોર કોલવડમાં રહેતાં ચૌહાણ અશોકજી પોપટજી અને પદયાત્રી સંઘના યુવાનો ગત તા. ૧૩-૧૧-૨૦૧૮ના રોજ માતાજીનો રથ લઈ પગપાળા ગળતેશ્વર જઈ રહ્યા હતા. આ દરમ્યાન ડાકોર-સેવાલીયા રોડ પરથી પસાર થતા અંબાવ ફાટક પાસે રથ લઈને ઊભા હતા.
આ દરમ્યાન પૂરઝડપે આવેલ ટાટા ૪૦૭ નં. જીજે ૦૫ જેટી ૧૨૭૬એ રોડ ઉપર ઊભા રહેલ ટંકાજી જશુજી ચૌહાણને ટક્કર મારી પાડી દીધા હતા. જેથી ટંકાજી ચૌહાણ (ઉંમર આશરે ૨૭ વર્ષ)ને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતા તુરંત સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીયત નાજુક હોઈ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ટંકાની ચૌહાણનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતનો બીજો બનાવ કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા રોડ પર સર્જાયો હતો. જેમાં સુમિત્રાબેન હીરાભાઈ ગોહિલ અને તેમના સંબંંધી સાથે ગઈકાલે રાત્રે ઊકરડીના મુવાડા રોડ પર ચાલતા જતા હતા ત્યારે પૂરઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે ૧૭ બી જે ૯૨૨૨એ પાછળથી ટક્કર મારતા સુમિત્રાબેન તથા તેમના સંબંધીને ઈજા થઈ હતી. આ બનાવ અંગે આંતરસુબા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

(5:12 pm IST)